હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટની જમીનના સંપાદનનું કોકડું ગુંચવાયું છે. એકમાત્ર જમીનધારકે વળતર સ્વીકાર્યું છે. જ્યારે 13 જમીનધારકોએ વળતર લેવા નનૈયો ભણ્યો છે. બીજી તરફ તમામ લોકોનો જમીન ઉપર માત્ર વર્ષોથી કબ્જો હોય પૂરતા પુરાવા પણ ન હોવાથી પ્લોટ સામે પ્લોટ આપવો કેમ ? તંત્ર અવઢવમાં મુકાયું છે. રાજકોટની ભાગોળે હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ તંત્રએ હિરાસર એરપોર્ટ ઉપર ફોક્સ કર્યું છે. એરપોર્ટ માટેની જે મુખ્ય જમીન છે તેનું સંપાદન સહિતની કાર્યવાહી ભૂતકાળમાં તંત્રએ પાર પાડી દીધી હતી. જેથી રનવે ટેમ્પરરી ટર્મિનલ સહિતનું કામ હાથ ધરું શક્ય બન્યું હતું. પરંતુ આસપાસની જમીન સંપાદનમાં જે કોકડું ગુંચવાયુ છે તે હજુ સુધી ગૂંચવાયેલી હાલતમાં જ રહ્યું છે. એરપોર્ટ માટે હિરાસર ગામને સ્થળાંતર કરવા તંત્ર એ તમામ તૈયારી હાથ ધરી લીધી છે પરંતુ ગામમાં જે જમીન અને મકાનો છે તે આસામીઓ સંપાદનની કાર્યવાહીમાં તંત્ર સાથે સહમત થતા નથી ગઈકાલે ગાંધીનગરથી જમીન સંપાદન અધિકારી પૂજા બાવડા ખાસ હીરાસર એરપોર્ટ જમીન સંપાદનની પ્રક્રિયા માટે આવ્યા હતા. પરંતુ તેઓને ધક્કો થયો હતો. તેઓ સાથેની મુલાકાત દરમિયાન માત્ર એક જમીન ધારકે 8 લાખનો ચેક સ્વીકાર્યો હતો બાકીના 13 જમીનધારકોએ વળતરનો ચેક લેવાનો ઇનકાર કરી દીધો હતો. આ જમીનધારકોની માંગ એવી છે કે તેઓને વળતર રૂપે પ્લોટ આપવામાં આવે. બીજી તરફ એક અધિકારીના જણાવ્યા મુજબ આ તમામ જમીનધારકો પાસે માત્ર જમીન અને મકાનનો કબજો જ છે. તેઓ પાસે પૂરતા પુરાવા પણ નથી આવા કેસમાં સરકાર તરફથી વળતર મળવું તે જ મોટી વાત છે. આ લોકોને પ્લોટ સામે પ્લોટ આપવો કેમ તે મોટી અવઢવ છે. બીજી તરફ એરપોર્ટની કામગીરીને વેગ આપવા તંત્ર ઊંધા માટે થઈ રહ્યું છે. તેવામાં જમીનધારકો વળતર સ્વીકારવા તૈયાર ન હોય એટલે આગામી દિવસોમાં નવાજૂની થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરથી જમીન સંપાદન અધિકારી હીરાસર એરપોર્ટ ખાતે આવ્યા હતા. ત્યારે સમજાવટ કરવા છતાં જમીન ધારકો વળતર લેવા માટે માન્યા ન હતા. એટલે હવે જમીન સંપાદન અધિકારી ફરી 10 દિવસ પછી હીરાસર એરપોર્ટ ખાતે આવશે ત્યારે ફરી જમીન ધારકોને વળતર આપવાનો પ્રયાસ કરવામાં આવશે.
હિરાસર એરપોર્ટમાં ફરી વિઘ્ન : ૧૩ જમીન ધારકોનો વળતર લેવા સહમતી ન આપી
Advertisement