થોડા દિવસો પહેલા નાગપુર-બિલાસપુર રેલ રૂટ પર શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો થયાના સમાચાર છે. એક સમાચાર એજન્સીના અહેવાલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં અજાણ્યા લોકોએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરીને બારીઓના કાચને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.
રેલ્વે વિભાગના અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે બુધવારે સાંજે દક્ષિણ પૂર્વ મધ્ય રેલ્વે (SECR) હેઠળ રાયપુર રેલ્વે વિભાગના દુર્ગ અને ભિલાઈ નગર રેલ્વે સ્ટેશનો વચ્ચે અજાણ્યા લોકોએ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો.
તેમણે જણાવ્યું કે વંદે ભારત એક્સપ્રેસ બુધવારે નાગપુરથી બિલાસપુર જવા રવાના થઈ હતી. જ્યારે તે દુર્ગ અને ભિલાઈ નગર સ્ટેશન વચ્ચે પહોંચી તો કેટલાક લોકોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો. જેના કારણે ઈ વન કોચની એક બારીને નુકસાન થયું હતું.
આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાની માહિતી નથી. અધિકારીએ જણાવ્યું કે આ ઘટનાની જાણકારી રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ને આપવામાં આવી છે. આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. છત્તીસગઢના બિલાસપુર અને નાગપુર (મહારાષ્ટ્ર) વચ્ચે શરૂ થયેલી દેશની છઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસને રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગપુરથી લીલી ઝંડી બતાવી હતી.