પાકિસ્તાનમાં સક્રિય થયેલાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના શહેરોના લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અમદાવાદનું લઘુતમ તાપમાન એક જ દિવસમાં 6 ડિગ્રી ગગડતાં ડબલ સિઝન અનુભવાઈ રહી છે. આગામી 16 ડિસેમ્બર સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીનું જોર ઘટવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના આકડા મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3.1 ડિગ્રી વધીને 32.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન એક જ દિવસમાં સામાન્ય કરતાં 6 ડિગ્રી ગગડીને 19.4 ડિગ્રી નોંધાયું હતું. જોકે શહેરમાં વહેલી સવારે 10 થી 15 કિલોમીટરની ગતિના ઠંડા પવનને કારણે સવારના 11.30 કલાક સુધી ઠંડીનો ચમકારો વર્તાયો હતો, પરંતુ બપોર પછી ઠંડા પવનનું જોર ઘટતાં ઠંડીમાં ઘટાડો થયો. હતો. સાંજ પડતાં પવનની ગતિ ઘટીને 2 કિલોમીટર પ્રતિ કલાકની થતાં વાતાવરણમાંથી ઠંડી જાણે ગાયબ થયાનો લોકોએ અનુભવ કર્યો હતો.
આગામી ચાર દિવસો દરમિયાન અમદાવાદમાં ઠંડીનો પારો 18 થી 20 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા હોવાથી ડબલ સિઝનનો અનુભવ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના મોટા ભાગના શહેરોના તાપમાનમાં છેલ્લા ત્રણ દિવસના પ્રમાણમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થયો છે. સમગ્ર રાજ્યમાં 11 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર બન્યું હતું. આ સિવાય અન્ય તમામ શહેરોમાં ઠંડીનો પારો 13થી 23 ડિગ્રી વચ્ચે પહોંચતાં ઠંડીમાં ઘટાડો થયો છે. જોકે આગામી ચાર દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાતના તાપી, વલસાડ, નર્મદા અને ડાંગ જેવા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે.