ગુજરાતમાં માવઠું થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 12 અને 13 ડિસેમ્બરના રોજ ડાંગ, વલસાડ, તાપી અને નવસારી વિસ્તારમાં વરસાદ પડશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં ઠંડીના ચમકારોમાં પણ વધારો થશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે, ગુજરાતના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય માવઠું થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ડાંગ, વલસાડ, તાપી અને નવસારીમાં વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જેથી ખેડૂતોને પાક બગાડવાની ચિંતા પણ સતાવી રહી છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં સૂકું વાતાવરણ રહે અને ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં વાદળ છાયું વાતાવરણ રહેશે તેવી આશંકા બતાવવામાં આવી રહી છે. ખાસ કરીને આ વાતવરણ વચ્ચે રાજ્યમાં ઠંડીનો પારો 3 ડિગ્રી ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જેથી લોકોને વધુ કડકડતી ઠંડીનો સામનો કરવો પડી શકે છે.
બંગાળની ખાડીમાં ઉભા થયેલ સંકટ અને સર્જાયેલ વાવાઝોડાની અસરને કારણે થયેલા બદલાવને પગલે માવઠું થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.