રાજ્યમાં જે રીતે પાર્ટીઓ ગાજતી અને પ્રચાર કરતી જોવા મળી રહી છે તેને જોતા એમ લાગે છે કે, લોકોને મતદાનમાં ખૂબ જ ઓછો રસ છે. રાજ્યમાં ટોટલ 56.75 ટકા મતદાન થયું છે ત્યારે કેટલીક જગ્યાએ મતદાનના નામે એક પણ વોટ પડ્યો નથી.
વાટી ગામમાં એક પણ મત પડ્યો નહીં નવસારી જિલ્લાની વાંસદા બેઠકમાં અંબિકા નદી પર પૂલ ન બનાવવાના કારણે વાટી ગામના લોકો ચૂંટણીથી દૂર રહ્યા હતા. મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યાં સુધીમાં એક પણ મત પડ્યો ન હતો.
જામજોધપુર બેઠકના ધરાફા ગામમાં એક પણ મત પડ્યો નથી
જામનગર જિલ્લાની જામજોધપુર વિધાનસભા બેઠકના ધ્રાફ ગામમાં મહિલા મતદારો માટે અલગ બુથ બનાવવામાં આવ્યું છે. પરંતુ આ ચૂંટણીમાં અલગ બૂથના અભાવે નારાજ ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. મતદાન પ્રક્રિયા પૂરી થઈ ત્યાં સુધીમાં ગામમાં એક પણ મત પડ્યો ન હતો. જોકે, પ્રાંત અધિકારી એન.ડી.ગોવાણીએ જણાવ્યું હતું કે અમારા મદદનીશ ચૂંટણી અધિકારી ગામમાં પહોંચ્યા હતા અને ગ્રામજનોને મતદાન કરવા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો તો પણ ફિક્કો પ્રતિસાદ જોવા મળ્યો હતો.
ઝઘડીયાના આ ગામમાં પણ એકેય મતો ના પડ્યા
ભરૂચ જિલ્લાના ઝઘડીયા વિધાનસભાના વાલિયા તાલુકાના કેસર ગામના ગ્રામજનોએ મતદાન કર્યું ન હતું. સવારથી એક પણ મતદારે મતદાન કર્યું ન હતું. પ્રાથમિક સુવિધાઓના અભાવે મતદારોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. તંત્રએ ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગ્રામજનો માન્યા ન હતા. જેથી અહીં પણ ફિક્કો પ્રતિસાદ મતદાનને લઈને જોવા મળ્યો હતો. જેથી ભાગ્યેજ કોઈ મતદારે આ વિસ્તારમાં મતદાન છેલ્લે સાંજ સુધીમાં કર્યું હશે.
ગત બે ચૂંટણીઓમાં જે રીતે મતદાન થયું છે તેની સરખામણીમાં ખૂબ જ ઓછું મતદાન પ્રથમ તબક્કામાં થયું છે. પ્રથમ તબક્કાના મતદાનને જોતા ગત બે વખત 2012 અને 2017 ની વાત કરીએ તો 68 ટકાથી લઈને 71 ટકા સુધી મતદાન થયું હતું પરંતુ આ વખતે ખૂબ જ ફિક્કો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.