સીબીઆઈએ ઈન્ટરપોલ સાથે મળીને વૈશ્વિક સ્તરે ડ્રગ્સની હેરાફેરી વિરુદ્ધ એક મોટું ઓપરેશન ગરુડ હાથ ધર્યું હતું અને તે અંતર્ગત 127 કેસ નોંધીને 175 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને વિવિધ પ્રકારના ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાયો હતો. આ ઓપરેશન વૈશ્વિક સ્તરે હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ઈન્ટરપોલના સંકલનની મદદથી NCB અને રાજ્ય પોલીસની પણ મદદ લેવામાં આવી હતી.
ગ્લોબલી ચલાવવામાં આવ્યું ઓપરેશન
આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્ક સિન્ડિકેટનો પર્દાફાશ કરવા માટે આ ગ્લોબલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં સીબીઆઈ, એનસીબી ઉપરાંત પંજાબ, હિમાચલ પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, મણિપુર સહિત 8 રાજ્યોની પોલીસે પણ સહયોગ આપ્યો હતો.
6600 શકમંદોની પૂછપરછ કરવામાં આવી, 127 નવા કેસ નોંધાયા
આ ઓપરેશન અંતર્ગત 6600 શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. જ્યારે 127 નવા કેસ નોંધીને 175 આરોપી ડ્રગ સ્મગલરની ધરપકડ કરવામાં આવી હતી. 5.125 કિગ્રા હેરોઈન, 3.29 કિગ્રા ગાંજો, 1365 ગ્રામ ચરસ, 33.80 ગ્રામ મેફેડ્રોન, લગભગ 87 ટેબ્લેટ, 122 ઈન્જેક્શન, 87 બ્યુપ્રેનોર્ફિનની સિરીંજ, આલ્પાઝોલમની 946 ગોળીઓ, 105.997 કિલો ટ્રામડોલ, 10 ગ્રામ હૅશ ઓઇલ, 0.9 ગ્રામ એક્સ્ટસી પીલ્સ, 1.150 કિલો ઓપિયમ, 30 કિલો પોપી હસ્ક, 1.437 કિલો નશીલો પાવડર અને 11039 ગોળીઓ, કેપ્સ્યુલ ઝડપાઈ છે. હાલમાં સીબીઆઈ આંતરરાષ્ટ્રીય કડીઓની તપાસ કરી રહી છે અને ધરપકડ કરાયેલા આરોપીઓની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે.
ઓપરેશન ગરુડમાં ખુલાસો, 8 થી વધુ દેશોમાંથી આવી રહ્યું ડ્રગ્સ
વાસ્તવમાં આઠથી વધુ દેશોમાંથી ડ્રગ્સ ભારતમાં આવી રહ્યું છે. મોટાભાગનું ડ્રગ્સ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, દુબઈ, મ્યાનમાર અને બાંગ્લાદેશ વગેરે દેશોમાંથી આવી રહ્યું છે. આ ખુલાસો ઓપરેશન ગરુડથી થયો છે. રાજધાનીમાં ડ્રગ્સની વધતી દાણચોરીને રોકવા માટે દિલ્હી પોલીસે CBI અને વિશ્વભરના દેશો સાથે મળીને રવિવારે ઓપરેશન ગરુડ શરૂ કર્યું હતું.
ઈન્ટરપોલની પહેલ પર ચલાવવામાં આવ્યું આ અભિયાન
ઈન્ટરપોલની પહેલ પર, ડ્રગની દાણચોરીને લઈને વિશ્વના તમામ દેશોમાં આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આમાં તમામ દેશોએ એકબીજા સાથે માહિતીની આપલે કરી હતી. ભારતને ઘણા દેશો પાસેથી મહત્ત્વપૂર્ણ માહિતી પણ મળી છે. આ પહેલીવાર છે જ્યારે સમગ્ર વિશ્વમાં એક સાથે ડ્રગ્સ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવ્યું છે.