ગુજરાતમાં ચાલુ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવા જઇ રહી છે, જેને લઇ વિવિધ રાજકીય પક્ષોના રાષ્ટ્રીય નેતાઓએ છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતમાં ધામા નાખ્યા છે, આગામી ચૂંટણીઓમાં પોતાના પક્ષના ઉમેદવારોને ઉભા રાખવા માટે રાજકીય નેતાઓ ગ્રાઉન્ડ લેવલ પર જઇ કમર કસી રહ્યા છે, સાથે જ આગામી ચૂંટણીઓ કંઈ રીતે અને કેટલી સીટો પર લડવી જોઈએ તે અંગેની વ્યુ રચનામાં લાગી ગયા છે.
ગત મોડી સાંજે લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાન પ્રથમ વડોદરા એરપોર્ટ થઇ બાદમાં ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં લોક જનશક્તિ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોએ તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું, ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવેલા ચિરાગ પાસવાને આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં લોક જનશક્તિ પાર્ટી પોતાના ઉમેદવારો ઉભા રાખશે તેમ મિડિયા સમક્ષ વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું.
ચિરાગ પાસવાને વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત મુલાકાત દરમિયાન સુરત ખાતે તેઓની પાર્ટીની એક મહત્વની બેઠક મળનાર છે જેમાં આગામી ચૂંટણીઓમાં કેટલા ઉમેદવારો ઉભા રાખવા સહિતની બાબતો ઉપર પાર્ટીના નેતૃત્વ સહિત કાર્યકરો સાથે ચર્ચાઓ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. વધુમાં આગામી ચૂંટણીઓમાં કોઈ પક્ષ સાથેના ગઠબંધન અંગેની વિચારણા પર તેઓએ સ્થાનિક નેતૃત્વ પર છોડી હતી અને જો તે પ્રકારની કોઈ બાબત થવાની હશે તો રાષ્ટ્રીય સંસદીય મિટિંગમાં તેનો નિર્ણય લેવાશે તેમ પણ તેઓએ જણાવ્યું હતું.
ચિરાગ પાસવાસના ભરૂચ આગમનને લઈ લોક જનશક્તિ પાર્ટીના પ્રદેશ અગ્રણી નેતા અબ્દુલ કામથીએ તેઓની ભવ્ય સ્વાગત કર્યું હતું. ભરૂચ આવેલા ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે તેઓના પિતા શ્રી રામવિલાસ પાસવાનનું હંમેશા ગુજરાતીઓ સાથે લગાવ રહ્યો છે અને ગુજરાતની જનતાને લગતા વિવિધ પ્રશ્નો તેઓ હંમેશાથી ઉઠાવતા આવ્યા છે, સાથે જ તેઓએ પોતાની સોશિયલ મિડિયા પોસ્ટમાં ગુજરાતીમાં કેમ છો ગુજરાત કહી લખતા તેઓના સમર્થકોમાં પણ ખુશી જોવા મળી હતી,આમ રાષ્ટ્રીય નેતાઓના આગમને રાજકિય માહોલ બનાવવાની શરૂઆત કરી મૂકી હોય તેમ લાગી રહ્યું છે.
હારૂન પટેલ : ભરુચ
મો. : 99252 22744