ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા વિવિધરાજકીય પક્ષોના દાવપેચ શરૂ થઈ ગયા હોય તે પ્રકારની સ્થિતિ વર્તમાન સમયમાં જામતી જોવા મળી રહી છે. ભરૂચ જિલ્લામાં પણ આદિવાસીઓના મસીહા કહેવાતા છોટુ વસાવાની પાર્ટી બીટીપી પાર્ટી લોકો વચ્ચે યેનકેન પ્રકારે ચૂંટણીઓ ટાણે ચર્ચાનું કેન્દ્ર બનતી આવી છે, અત્યાર સુધી બીટીપી એ વિવિધ રાજકીય પાર્ટીઓ સાથે ગઠબંધન કરી પોતાની રાજકીય ઇનિંગ ચાલુ રાખી છે, તેવામાં આજે વહેતા થયેલ આપ અને બીટીપી વચ્ચેની ગઠબંધનમાં તિરાડ પડી હોવાના સમાચારોએ રાજકીય ક્ષેત્રે વધુ એકવાર ભૂકંપ સર્જ્યો હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા વાજતે ગાજતે વાલિયા ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની હાજરીમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીનું ગઠબંધન કરનાર છોટુ વસાવાનું આજે એક ચોંકાવનારુ નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેઓએ આપ સાથે ગઠબંધન તોડ્યું હોવાના સ્પષ્ટ સંદેશ આપતા રાજકીય માહોલ વધુ એકવાર ગરમાયો છે.
બીટીપી ના સંયોજક છોટુ વસાવાએ અચાનક એક કાર્યક્રમ દરમિયાન નિવેદન આપ્યું હતું કે ટોપીઓવાળા આપના લોકો દેખાતા નથી, વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આપ ના નેતાઓ બીટીપીનું કહેલું માનતા નથી, એટલા માટે તેઓએ હવે ગઠબંધન તોડ્યું છે, તે પ્રકારના નિવેદનો ઝઘડિયા બીટીપી ના ધારાસભ્ય છોટુ વસાવાના સામે આવતા જ રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે અને વધુ એકવાર ચર્ચાઓએ જોર પકડ્યું છે કે હવે બીટીપી કોની સાથે ગઠબંધન કરશે કે પછી એકલા હાથે ચૂંટણીના મેદાનમાં ઝંપલાવશે તેવી અનેક અટકળો રાજકીય પંડિતોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં કોંગ્રેસ સાથે ગઠબંધનમાં રહી ચૂકેલ બીટીપી પાર્ટીએ કોંગ્રેસ સાથે છેડો ફાડી થોડા સમય અગાઉ એમ.આઈ.એમ સાથે ગઠબંધન કર્યું હતું જોકે તે ગઠબંધનનો પણ બીટીપી ને જોઈએ તેવો ફાયદો થયો ન હતો જે બાદ આખરે બીટીપી એ આપ સાથે ગઠબંધન કરી વાલિયા નજીક વિશાળ સંમેલન યોજી ભાજપ, કોંગ્રેસને આડે હાથ લીધી હતી, ત્યારે હવે છોટુ વસાવાએ ઝાડુંને ટાટા બાય બાય કરતા વધુ એકવાર કોંગ્રેસ સાથે બીટીપી આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા ગઠબંધન કરશે તેવી અટકળો આપ સામે થયેલ બીટીપી ની દુરીઓ બાદથી લોકો વચ્ચે વહેતી થઇ છે, જોકે રાજકારણમાં કંઈ જ વહેલું કહેવું મુશ્કેલ છે તેમ પણ લોકો માની રહ્યા છે.
હારુન પટેલ: ભરૂચ
મો. : 99252 22744