આગામી બે થી ત્રણ મહિનાના સમય ગાળા દરમિયાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઇ રાજકિય માહોલ જામેલો નજરે પડી શકે છે, તેવામાં હવે ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર મુરતિયાઓની શોધ કરવાની કવાયત કેટલીક પાર્ટીઓએ અત્યારથી શરૂ કરી હોવાનું રાજકિય ક્ષેત્રે ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ભરૂચ, વાગરા, અંકલેશ્વર, ઝઘડિયા અને જંબુસર બેઠક પર ચૂંટણીના જંગમાં ઉતારવા માટે કેટલાક સંભવિત ઉમેદવારો તૈયારીઓમાં લાગી ગયા છે તો કેટલાક લોકોની ચૂંટણીના ઉમેદવાર તરીકે ઉભા રાખવા માટેની રાજકીય મથામણમાં પણ વિવિધ પાર્ટીના આગેવાનો અત્યારથી કવાયતમાં લાગ્યા હોય તેમ લાગી રહ્યું છે, આગામી ચૂંટણી જે તે બેઠક પર આ ચહેરાને તક મળે તો જીતી શકીએ અથવા આ સમીકરણોમાં આ વ્યક્તિ ફિટ બેસી શકે તેવા તમામ એન્ગલની ચકાસણીઓ કાર્યાલયોથી લઇ રાજકીય ગોડ ફાધરો સુધી ચાલી રહી હોય તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.
અત્યારની વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં પાંચ વિધાનસભા પૈકી ૩ ભાજપ પાસે એક કોંગ્રેસ તેમજ એક બેઠક પર બીટીપીનો કબ્જો છે, જ્યાં એક તરફ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી તમામ પાંચ બેઠકો પર કમળ ખીલી ઉઠે તેવી રણનીતિમાં લાગેલી જોવા મળી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ, આપ, અને બીટીપી સાથે સાથે એમ.આઈ.એમ પણ આગામી ચૂંટણીઓમાં મજબૂત ચહેરાઓ સાથે ચૂંટણી જંગમાં ઉતરવાની કવાયતમાં લાગેલી હોવાનું નજરે પડી રહ્યું છે.
આગામી ચૂંટણીઓને લઈ કેટલીક પાર્ટીઓ આંતરિક સર્વે અને માહોલને પારખવા જેવી બાબતો ઉપર પણ બારીકાઈથી નજરે રાખી રહી છે, તો બીજી તરફ જે તે વિધાનસભા બેઠક પરના પાંચ સંભવિત દાવેદારોના નામો પણ ગ્રાઉન્ડ લેવલ ઉપરથી પ્રદેશ નેતૃત્વ સુધી પહોંચી રહ્યા હોવાનું પણ અંગત સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે, તો કેટલીક પાર્ટીઓ સર્વે એજન્સી સહિત મિડિયા હાઉસોમાં ચાલતા સંભવિત દાવેદારોના પણ નામ ઉપર નજર રાખી યોગ્ય વ્યક્તિત્વને પાર્ટીના ચહેરા તરીકે ઉભા રાખી શકાય કે કેમ તે દિશામાં પણ કવાયત કરાઇ રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે,
વાગરા, ભરૂચ, અંકલેશ્વર બેઠક પર ભાજપ રિપીડ થિયરી અપનાવશે..?
ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા પૈકી ત્રણ બેઠકો પર હાલમાં ભારતીય જનતા પાર્ટીનો કબ્જો છે, જે બેઠકો પર આગામી ચૂંટણીઓમાં વર્તમાન ભરૂચ બેઠકના ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરા બેઠકના અરુણસિંહ રણા અને અંકલેશ્વર બેઠકના ઈશ્વર સિંહ પટેલને આગામી ચૂંટણીઓમાં પ્રદેશ નેતૃત્વ ભરોસો મૂકી રિપીટ કરશે કે કેમ અથવા નવા ચહેરાઓને મારુતિ સિંહ અટોદરિયાના નેતૃત્વમાં તક અપાશે તેવી ચર્ચાઓ પણ આજકાલ ભાજપના આંતરિક રાજકીય માહોલમાં ચર્ચાઈ રહ્યું છે, તો ભાજપમાં સિનિયર નેતાઓની ચૂંટણી પહેલાની સક્રિયતા પણ પાર્ટી માટે આગામી ચૂંટણીઓમાં લાભદાયી નીવડશે તેમ કેટલાય રાજકીય પંડિતો માની રહ્યા છે.
કોંગ્રેસ, આપ, બીટીપી માટે આગામી ચૂંટણી અસ્તિત્વના જંગ સમાન સાબિત થશે..!!
ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ અને બીટીપી માટે આગામી વિધાનસભાની ચૂંટણીઓ અસ્તિત્વના જંગ સમાન સાબિત થાય તેમ છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતોમાં કમજોર સ્થિતિમાં મુકાયેલ બંને પક્ષોને ભાજપ સંગઠન સામે ચૂંટણીના જંગમાં માત આપવા માટે વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ માં ગ્રાઉન્ડ લેવલ ઉપર કમરકસવી જરૂરી જણાઈ આવે છે તેમજ પાર્ટીને મજબૂત કરવા અને બંને પક્ષોએ પોતાની બેઠકો જાણવી રાખવા માટે તનતોડ મહેનત કરવી પડે તેવી સ્થિતિની સર્જન આજકાલ જોવા મળી રહ્યું છે, મતદારોના મિજાજને પારખવા સહિત ગ્રાઉન્ડ લેવલે કાર્યકરોને પક્ષ મજબુતીથી આગળ વધી શકે તેવી રણીનીતિ અપનાવવી પડશે તેમ રાજકિય પંડિતોમાં ચર્ચાઈ રહ્યું છે.
ભરૂચ જિલ્લાની તમામ બેઠકો પર આગામી ચૂંટણીમાં રાજકીય નવાજૂનીના એંધાણ..!
આગામી ચૂંટણીઓમાં તમામ પાંચ બેઠકો પર રાજકીય નવાજુનીના એંધાણ સર્જાઈ શકે છે, સત્તા પક્ષ ભાજપ જ્યાં એક તરફ વિકાસના મોડલને આગળ કરી ચૂંટણી જીતવાની કવાયત કરશે તો મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓને લઇ વિપક્ષ સત્તા પક્ષને ઘેરવામાં કામે લાગશે અને તેમાં સફળતા મળે અને સત્તા પક્ષના મતોનું ધ્રુવીકરણ થાય તો તેનો ફાયદો સીધો કોને કોંગ્રેસ, આપ કે પછી બીટીપી એમ.આઈ.એમ તેવા તમામ સવાલો હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744