ભારતીય હવામાન વિભાગ (IMD)એ આજે પૂર્વ ભારતમાં ભારે વરસાદની આગાહી જારી કરી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ભારે વરસાદ થશે. આ ઉપરાંત, પૂર્વ રાજસ્થાન અને તેને અડીને આવેલા ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ પરનું લો પ્રેશર એરિયા હવે દક્ષિણ રાજસ્થાનના મધ્ય ભાગો તરફ આગળ વધ્યું છે.
આના કારણે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 24 કલાક દરમિયાન પૂર્વ ઉત્તર પ્રદેશ, ઓડિશા, ઝારખંડ અને ગંગાના પશ્ચિમ બંગાળમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે અને અનેક રોડ રસ્તાઓ બ્લોક થઇ ગયા છે. વરસાદને કારણે અનેક લોકોના સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે અને યુમના નદીના કિનારા પર જવાની પણ મનાઈ કરી દીધી છે. હજુ પણ આગામી દિવસોમાં વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે ત્યારે તંત્ર પણ સજ્જ થઇ ગયું છે.
મધ્યપ્રદેશમાં પૂરના કારણે ઘણા જિલ્લાઓ ડૂબી ગયા છે. આ દરમિયાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વિદિશામાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી હતી. અગાઉ તેમણે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ પણ કર્યું હતું.