ગુજરાત સરકાર દ્વારા 14 માંગણીઓ સાથે આંદોલન પર ઉતરેલા માજી સૈનિકોના સંગઠનની 5 માંગણીઓ સ્વીકાર કરવામાં આવી છે. માજી સૈનિકો દ્વારા છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓ મામલે રજુઆત કરી રહ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા આખરે આ માજી સૈનિકોની માંગણીઓ સ્વીકારી હોવાથી માજી સૈનિકો તેમજ તેમના પરિવારને ફાયદો થશે.
માજી સૈનિકો છેલ્લા ઘણા સમયથી પોતાની માંગણી પુરી કરવા માટે આંદોલન કરી રહ્યા હતા અને ગઈકાલે તેમના સમર્થકો સફેદ કપડામાં સહપરિવાર સાથે ગાંધીનગર પહોંચ્યા હતા અને મોટા પાયે આંદોલનના મંડાણ કરવામાં આવ્યા હતા ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા તેમની માંગણીઓમાંથી 5 માંગણી સ્વીકારી હતી. મોટી સંખ્યામાં સૈન્કો ગઈકાલે હાથમાં તિરંગા સાથે ગાંધીનગર સચિવાલય ખાતે એકઠા થયા હતા.
સરકાર દ્વારા આ માંગણીનો સ્વીકાર કરાયો
1) શહીદ જવાનના પરિવારને 1 કરોડની સહાય
2) શહીદ જવાનના બાળકોને રૂ. 5 હજાર શિક્ષણ સહાય
3) શહીદ જવાનના માતા-પિતાને માસિક રૂ. 5 હજારની સહાય
4) અપંગ જવાનના કિસ્સામાં રૂ. 5 લાખની આર્થિક સહાય અથવા મહિને 5 હજારની સહાય
5) અપરણિત શહીદ જવાનના કિસ્સામા માતા-પિતાને રૂ. 5 લાખની સહાય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહીદ જવાનોના આશ્રિતોને સરકાર દ્વારા મુખ્યમંત્રી જવાન રાહત ભંડોળમાંથી જે વિવિધ સહાયો ચુકવવામાં આવે છે તેની રકમમાં માતબર વધારો કરવાનો નિર્ણય લીધો છે.
ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણયની વિગતો આપતા વધુમાં જણાવ્યું હતું કે, શહીદ થનારા જવાનોના કુટુંબીજનોને આ રાહત અને ગેલેન્ટરી એવોર્ડમાં વધારા સિવાય બાકીની અન્ય માંગણી અંગે એક ઉચ્ચ કક્ષાની સચિવોની કમિટિ વિચારણા કરશે અને તેનો અહેવાલ રાજ્ય સરકારને આપશે તેવા આદેશો કરવામાં આવ્યા છે.
પ્રસંગોપાત હાલ માજી સૈનિકોને રાજ્ય સરકારની નોકરીઓમાં જે અનામત આપવામાં આવે છે તે મુજબ વર્ગ-1 અને 2 માટે 1 ટકા, વર્ગ-3 માટે 10 ટકા અને વર્ગ-4 માટે 20 ટકા અપાય છે.
જમીનની માંગણીને સંબંધ છે ત્યાં સુધી માજી સૈનિકોને તેમના કુટુંબનો જીવન નિર્વાહ ચલાવી શકે તે માટે 16 એકર જમીન સાંથણીથી આપવામાં આવે છે તેની વિગતો પણ ગૃહ રાજય મંત્રીએ આપી હતી.