હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના ભૂતપૂર્વ જનરલ મેનેજર (ફાઇનાન્સ) અને અન્ય પાંચ સામે કાર્યવાહી કરતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આશરે રૂ. 2.39 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. તપાસ એજન્સી તરફથી આ કાર્યવાહી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં મની લોન્ડરિંગના આરોપો પર મની લોન્ડરિંગના કેસમાં તપાસ દરમિયાન કરવામાં આવી છે. EDએ શનિવારે આ અંગે જાણકારી આપી છે.
ED દ્વારા કહેવામાં આવ્યું છે કે, HAL (હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ)માં જનરલ મેનેજર (ફાઇનાન્સ) પદ સંભાળી ચૂકેલા ભાવેન મૈત્રા, બિપ્ર ચરણ મહારાણા, સદાનંદ નાયક, જીસુદાન ખોસલા, જયરામ ગડ્ડા, જગન્નાથ અપટ અને સ્વર્ગસ્થ ઉર્ધ્વા ખોસલાની મિલકતો જપ્ત કરવા માટે આદેશ જાહેર કરવામાં આવ્યો હતો, તે હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. ED અનુસાર, જપ્ત કરવામાં આવેલી સંપત્તિની કુલ કિંમત 2,39,38,681 રૂપિયા છે.
ED એ આ મામલામાં CBI, ભુવનેશ્વરના એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા નોંધાયેલી 6 એફઆઈઆરને ધ્યાનમાં લઈને આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. આરોપીઓ પર 2013 અને 2018 વચ્ચે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને HLની રૂ. 18.75 કરોડની ઉચાપત કરવાનો આરોપ છે.
EDએ પોન્ઝી કૌભાંડ કેસમાં PMLA એક્ટ હેઠળ કટકના ભૂતપૂર્વ ધારાસભ્ય અને મીડિયા ગુરુ કન્સલ્ટન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડના પ્રવત રંજન બિસ્વાલની રૂ. 3,92,20,000 ની સંપત્તિ પણ અસ્થાયી રૂપે જપ્ત કરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 261.92 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.