ભારતીય વાયુસેનામાં ફ્લાઈંગ કોફીન તરીકે પ્રખ્યાત મિગ-21 વિમાનના ક્રેશની વધુ એક ઘટના સામે આવી છે. ગત રાત્રે રાજસ્થાનના બાડમેરમાં એક મિગ-21 ક્રેશ થયું અને ફરી એકવાર દેશે બે પ્રતિભાશાળી પાઈલટ ગુમાવ્યા. વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો ફરી એકવાર મિગ-21 એરક્રાફ્ટની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવી રહ્યા છે અને પૂછે છે કે, આટલી મોટી સંખ્યામાં ક્રેશ થયા પછી પણ વાયુસેના આ વિમાનોનો ઉપયોગ કેમ કરી રહી છે.
આ એરક્રાફ્ટનું નિર્માણ રશિયાની મિકોયાન કંપની દ્વારા વર્ષ 1955ની આસપાસ કરવામાં આવ્યું હતું. વર્ષ 1963 માં તેને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા. ભારતે તેના કાફલામાં કુલ 874 મિગ-21 એરક્રાફ્ટ સામેલ કર્યા હતા. હાલમાં, એરફોર્સ તેના અપગ્રેડેડ વર્ઝન મિગ-21 બાઇસનનો ઉપયોગ કરે છે. ભારતની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) આ એરક્રાફ્ટને લાયસન્સ હેઠળ અપગ્રેડ કરે છે. જો કે, આ વિમાનો સેંકડો વખત દુર્ઘટનાનો શિકાર બન્યા છે અને કેટલાક પાયલટે જીવ ગુમાવ્યા છે. આ જ કારણે લગભગ 6 દાયકા જૂના આ વિમાનોના ઉપયોગને લઈને અનેક વખત સવાલો ઉભા થયા છે.
મિગ-21 ભારતીય વાયુસેનાના ફાઇટર એરક્રાફ્ટના કાફલામાં સૌથી જૂનું છે. તે હજુ પણ ઉપયોગમાં લેવાનું મુખ્ય કારણ એરફોર્સ સ્ક્વોડ્રનની સંખ્યામાં ઘટાડો છે. સાદી ભાષામાં કહીએ તો એરફોર્સમાં સ્ક્વોડ્રનને એરક્રાફ્ટનું જૂથ કહેવામાં આવે છે. એક સ્ક્વોડ્રનમાં લગભગ 16 થી 18 એરક્રાફ્ટ હોય છે. MiG-21s (અંદાજિત 64 એરક્રાફ્ટ)ની ચાર સ્ક્વોડ્રન IAF પાસે ઉપલબ્ધ છે.