કચ્છના સરહદી વિસ્તારમાંથી અવાર નવાર રાજ્યમાં ઘુસાડવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાસ એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે કચ્છમાં પેટ્રોલિંગ દરમિયાન બીએસએફના હાથે કેટલાક ચરસના પેકેટ હાથ લાગ્યા છે. અગાઉ પણ આ પ્રકારે કેફી દ્રવ્ય સામે આવ્યું હતું ત્યારે આ મામલે ફરી ચરસના પેકેટ ઝડપાયા છે.
કચ્છમાં ચરસના 10 જેટલા પેકેટ બીએસએફના હાથે ઝડપાયા છે. કચ્છમાં આ સિલસિલો કેફી દ્રવ્યો પકડાવવાનો જોવા મળી રહ્યે છે. પેટ્રોલિંગ દરમિયાન ચરસના પેકેટ ઝડપાતા અનેક તર્ક વિતર્ક સામે આવ્યા છે. આ ચરસના પેકેટ ક્યાંથી આવ્યા, કોણે મુક્યા છે, સરહદી વિસ્તારમાંથી શું કોઈના દ્વારા આ ચરસના પેકેટ ઘુસાડવામાં આવી રહ્યા છે એ તમામ બાબતે સવાલ ઉભા થઈ રહ્યા છે જેથી આ મામલે સઘન તપાસ પણ કરવામાં આવી રહી છે. બીએસફેના જવાનો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે લકીનાળા સરક્રીક પરથી આ 10 જેટલા પેકેટ મળી આવ્યા છે.
અગાઉ જૂન મહિનામાં પણ આ પ્રકારે ચરસના પેકેટ મળી આવ્યા હતા. ત્યારે આ પહેલા પણ બીએસએફ દ્વારા કચ્છના જખૌ નજીકના દરિયાઈ વિસ્તારમાંથી 4 પેકેટ પકડાયા હતા. ત્યારે આ મામલે પણ બીએસએફ દ્વારા ફરીથી ચરસ મળતા આસપાસના વિસ્તારમાં વધુ સર્ચ હાથ ધરાયુ છે. જો કે મળતી વિગતો અનુસાર અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં ચરસના પેકેટ વારંવાર પકડાઈ રહ્યા છે.