વર્ષ ૨૦૨૨ ના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવા જઈ રહી છે, જેની સત્તાવાર જાહેરાત થવાની હજુ બાકી છે, પરંતુ આ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા મર્હુમ અહેમદભાઈ પટેલની દીકરી મુમતાઝ પટેલ સતત મિડિયા અને સોશિયલ મિડિયા થકી લોકો વચ્ચે ચર્ચાઓમાં આવી રહી છે, અહેમદભાઈ પટેલના અવસાન બાદ તેઓનો રાજકીય વારસો તેઓના દીકરા ફૈઝલ પટેલ અથવા દીકરી આગળ વધારશે તેવી અટકળો શરૂ થઇ હતી પરંતુ જે તે વખતે પત્રકારો સમક્ષ અહેમદ પટેલના બંને સંતાનોએ સક્રિય રાજકારણથી દુર રહેવાની વાત કહી હતી.
તાજેતરમાં જ તીસ્તા સેટલવાડના મામલે SIT ના રિપોર્ટમાં અહેમદ પટેલનું નામ ઉછળયા બાદ રાજકીય માહોલ ગરમાયો હતો તે વચ્ચે પણ પ્રતિકાર રૂપી નિવેદનો મુમતાઝ પટેલ તરફથી સોશિયલ મિડિયા અને મિડિયા માધ્યમો થકી માહિતી આપી વિરોધીઓની બોલતી બંધ કરી હતી જે બાદથી સતત પોતાના ટ્વીટર હેન્ડલ પર મુમતાઝ પટેલ સક્રિય રાજકારણની ભુમિકામાં નજરે પડી રહ્યા હોય તેમ એક બાદ એક તેઓની છેલ્લા ૧૫ દિવસમાં થયેલ ટ્વીટ પોસ્ટ ઉપરથી કહી શકાય તેમ છે.
મુમતાઝ પટેલે એક પોસ્ટમાં લખ્યું છે કે “વો દિન દૂર નહિ જબ એક ડોલર મૈં એક લીટર પેટ્રોલ મિલેગા..અચ્છે દિન આને વાલે હૈ….તેમ લખી પટ્રોલ ડીઝલના ભાવ વધારા અને મોંઘવારી બાબતે સરકાર પર નિશાન સાંધ્યું હતું, તો બીજી એક પોસ્ટમાં તેઓએ કોંગ્રેસ પાર્ટીના એક નેતાએ તાજેતરમાં જ આપેલા એક નિવેદન બાદ થયેલ વિવાદ વચ્ચે તેઓએ પોસ્ટ મૂકી હતી કે “કોંગ્રેસ પાર્ટી બધા સમાજ અને ધર્મોમાં વિશ્વાસ કરે છે,નેતૃત્વ એ હંમેશા બધા સમાજને સન્માન આપ્યું છે, અને બધાને જોડવાનું કામ કર્યું છે, અને નેતૃત્વ એ ન ભૂલવું જોઈએ કે ગુજરાતમાં પાટીદાર સમાજ પણ આખા સમાજનો એક હીસ્સો છે, પ્રજાને કોંગ્રેસથી ઘણી ઉમ્મીદો છે, તેમ જણાવી તેઓએ પાર્ટીને પણ ચોક્કસ એક મેસેજ આપ્યો હતો.
હાલ મુમતાઝ પટેલ સક્રિય રાજકારણથી તો દૂર છે, તેઓ અનેક સામાજીક કાર્યો પોતાના ફાઉન્ડેશન થકી કરી રહ્યા છે, પરંતુ તેઓએ હવે છેલ્લા ઘણા સમયથી રાજકીય માહોલની નજીક જવાની પણ કોશિશ શરૂ કરી છે જે બાદ રાજકીય પંડિતો માની રહ્યા છે કે કદાચ મુમતાઝ પટેલ આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં સક્રિય રાજકારણી ભૂમિકા ભજવી પ્રચાર પ્રસાર અથવા કોંગ્રેસ પક્ષના કોઈ હોદ્દા પર આવી શકે તેમ છે, તો કેટલાક લોકો એમ પણ માની રહ્યા છે કે જો તેઓ રાજકારણમાં પ્રવેશ કરશે તો ચૂંટણીમાં પણ ઉમેદવાર તરીકે કોઈ બેઠક પરથી ઝંપલાવી શકે છે.
હાલ આ સમગ્ર ચર્ચાઓ જો અને તો વચ્ચે છે પરંતુ મુમતાઝ પટેલે આ અંગે કોઈ સત્તાવાર વિચાર કર્યા છે કે કેમ તે તો તેઓ જ જણાવી શકે તેમ છે, પણ અહીંયા એક વાત ચોક્કસ છે કે મુમતાઝ પટેલના સક્રિય રાજકારણમાં એક્ટિવ થવાની ઉમ્મીદો તેઓના કેટલાક સમર્થકો ઈચ્છે છે, તે વાત પણ ચર્ચાઈ રહી છે, તેવામાં આગામી દિવસોમાં શુ મુમતાઝ પટેલ ભરૂચ જિલ્લામાં સહિત રાજ્યમાં કોંગ્રેસ પક્ષ માટે વોટ લેવા ફરશે,? શુ તેઓ સક્રિય રાજકારણીની ભૂમિકામાં આવશે,? તેવી અનેક ચર્ચાઓ હાલ તો તેઓની સક્રિયતા ઉપરથી કહી શકાય તેમ છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744