અંબાજી ધામ શ્રદ્ધાળુઓ માટે અનેરુ મહત્વ ધરાવે છે. રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા તારીખ 8 એપ્રિલ 2022 ના રોજ તીર્થધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ તેમજ લાઈટ એન્ડ સાઉન્ડ શોનો શુભારંભ કરાવ્યો હતો. ત્યારે આ પરિક્રમા મહોત્સવના લીધે શ્રદ્ધાળુઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. મહોત્સવ બાદ પરિક્રમા પથ પર આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યામાં 225 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. માર્ચ અને અપ્રિલ 2022 મહિનાના એવરેજને ધ્યાનમાં લેતા આ તફાવત જોવા મળે છે.
આ પરિક્રમા મહોત્સવ પહેલા ગબ્બર મંદિર પર 3350 જેટલા શ્રદ્ધાળુઓ આવતા હતા. જે સંખ્યા વધીને 4450 થઇ છે. આ પરિક્રમા પથ પર 100 જેટલા શ્રદ્ધાળુઓ આવતા હતા જે સંખ્યા વધીને 2250 સુધી પહોંચી છે, જે 22.5 ગણો વધારો છે. અંબાજી મંદિરના દર્શનાર્થે આવતા ભાવિકોની સંખ્યામાં 14 ટકાનો વધારો જોવા મળ્યો છે. 6146 ચોરસ મીટર જેટલા વિસ્તારમાં મંદિરની આસપાસનો કોમ્પ્લેક્સ વિકસિત કરાશે.
પરિક્રમા મહોત્સવમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિતના આકર્ષણો ખુલ્લા મુક્યા બાદ આગામી દિવસોમાં અંબાજી મંદિર કોમ્પ્લેક્સ નિર્માણ કરવાનો નિર્ણય કરાયો છે. તેમાં મંદિરની આસપાસના 6146 ચોરસ મીટર જેટલા વિસ્તારમાં વિકાસકાર્ય શરૂ કરાશે. તેના માટે મંજૂરી અપાઈ છે અને અત્યારે સંપાદનની કામગીરી શરૂ છે. અંબાજી મંદિર પરિસરથી 75 મીટર વિસ્તારમાં વિકાસકાર્ય કરવા હેતુ તેમજ નવીન બિલ્ડિંગ માટેના સંયુક્ત અંદાજિત 62 કરોડના ખર્ચ માટે સરકાર દ્વારા આગામી બજેટમાં નાણાકીય જોગવાઇ કરવામા આવશે.