રાજ્યમાં વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યા છે. આ દરમ્યાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે. તેમણે ટ્વિટ કરીને જાહેરાત કરી કે, આગામી નેશનલ ગેમ્સનું આયોજન ગુજરાતમાં થશે. રાજ્ય વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સુસજ્જ બન્યું છે અને રાજ્યના લોકોમાં સ્પોર્ટ્સ પ્રત્યે એક નવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ આયોજનમાં દેશના 25,000 થી વધુ રમતવીરો ભાગ લેશે.
રાજ્યમાં પ્રથમ વખત યોજાનાર આ નેશનલ ગેમ્સને અત્યાર સુધીની શ્રેષ્ઠ ગેમ બનાવવા કોઈ કસર છોડવામાં આવશે નહીં. CM એ વધુમાં જણાવ્યું કે, આ જાહેરાત કરતાં આનંદ થાય છે કે, રાજ્યમાં આગામી 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમ્યાન નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવશે. રાજ્યના પ્રસ્તાવનો ત્વરિત સ્વીકાર કરવા બદલ હું IOS નો આભારી છું.
CM ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, રાષ્ટ્રીય રમતોત્સવને શ્રેષ્ઠ બનાવવા કોઈ ખામી છોડવામાં આવશે નહીં, રાજ્ય વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સુસજ્જ છે. રાજ્યના લોકોમાં સ્પોર્ટ્સ પ્રત્યે નવો જ ઉત્સાહ છે. નોંધનીય છે કે, ઓલિમ્પિકની દાવેદારી પહેલા ગુજરાત સરકારનું આ સૌથી મોટું આયોજન છે. નેશનલ ગેમ્સ 2022 નું ઓપનિંગ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થાય તેવી શક્યતા છે. મળતી માહિતી અનુસાર, અમદાવાદ સહિત રાજ્યના 6 શહેરોમાં નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવશે. જેમાં સમગ્ર દેશના 25,000 થી વધુ સ્પર્ધકો ભાગ લેશે.