એસજીએસટી ડિપાર્ટમેન્ટે બોગસ બિલિંગ દ્વારા આઈટીસી પાસ ઓન કરતા કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકોએ જેમને બોગસ બિલ આપ્યા હતા, તેવાં લોકોને રાજ્યમાંથી શોધી 56 સ્થળોએ જીએસટીની ટીમે સાગમટે દરોડા પાડીને 41 પેઢીઓને ત્યાંથી કરચોરી પકડી પાડી હતી. અત્યાર સુધીમાં એસજીએસટીએ બોગસ બિલિંગમાં 90 ની ધરપકડ કરી છે.
તાજેતરમાં એસજીએસટી વિભાગે અમદાવાદ, ભાવનગર, સુરતમાં દરોડા પાડ્યા હતા. જેમાં બોગસ પેઢીઓ બનાવીને તે પેઢીમાં બોગસ બિલિંગ દ્વારા આઇટીસી પાસ ઓન કરતા હતા. આ બોગસ બિલિંગ લેનારાઓના સ્થળે તપાસ કરાઈ હતી. જેમાં 41 પેઢીઓએ કરચોરી કરી હતી. જેને લઇને એસજીએસટીએ રાજ્યમાં 56 જગ્યાએ સાગમટે દરોડા પાડયા હતા. તપાસમાં મોટા પાયે કરચોરી સામે આવી છે. જેમાં અમદાવાદ સહિત ભાવનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, વડોદરા, સુરત, વાપી, ભાવનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, જૂનાગઢ અને ગાંધીધામની 41 પેઢીઓમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
અમદાવાદમાં સ્ક્રેપનો અને સ્ટીલનો વ્યવસાય કરતી આ પેઢીઓ દ્વારા બોગસ બિલિંગ કરીને કરચોરી કરી હોવાનું અન્વેષણ વિભાગના ધ્યાનમાં આવ્યું હતું. જેથી અમદાવાદની આ 9 પેઢીઓને ત્યાં દરોડા પાડતા મોટા પ્રમાણમાં કરચોરી કરી હોવાના દસ્તાવેજ સામે આવ્યા હતા.
છેલ્લાં કેટલાક સમયથી બોગસ બિલિંગ સાથે સંકળાયેલા લોકો અને પેઢી પકડી પાડવામાં એસજીએસટીની ટીમને સફળતા મળી હતી. પકડાયેલા લોકો પાસેથી મળી આવેલા દસ્તાવેજના આધારે કોણે બોગસ બિલ લીધા છે તેની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એસજીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યાર સુધીમાં 90 જેટલા લોકોને બોગસ બિલિંગના કેસમાં ધરપકડ કરી છે અને તેમની પાસેથી મળેલા દસ્તાવેજોની ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી છે.