વેપારી સંઘ કન્ફેડરેશન ઓફ ઓલ ઈંડિયા ટ્રેડર્સે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર 1 જૂલાઈથી લાગતા બેનને એક વર્ષ સુધી ટાળી દેવાની માંગ કરી છે, તેના માટે સંઘે પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવને પત્ર પણ લખ્યો છે. સાથે જ કેન્દ્ર પાસેથી આ સંબંધમાં એક સમિતિ બનાવાનો પણ આગ્રહ રાખ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, આ સમિતિમાં સરકારી અધિકારીઓ અને હિતધારકોના પ્રતિનિધિઓ હશે, જે એક નિશ્ચિત સમયમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વિકલ્પ શોધવાનો પ્રયાસ કરશે. વિકલ્પ મળ્યા બાદ દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ થઈ શકશે.
કેટે કહ્યું છે કે, તેમાં કોઈ શંકા નથી કે, પર્યાવરણ પ્રદૂષણને ઘટાડવા માટે સુધારાત્મક પગલા ઉઠાવવા જોઈએ, જોકે કોઈ પણ વસ્તુ પર પ્રતિબંધ લગાવતા પહેલા તેના વિકલ્પ પર વિચાર કરવો જોઈએ. કેટના જણાવ્યા અનુસાર, સિંગલ યુઝ પ્લાસ્ટિક નિર્માણ ઈન્ડસ્ટ્રી વાર્ષિક આધાર પર 60,000 કરોડ રૂપિયાની છે અને તેનાથી લાખો લોકોને રોજગાર મળે છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક ફક્ત ખાનગી નહીં પણ સરકારી એકમો અને સંસ્થાઓમાં પણ મોટા પાયે ઉપયોગમાં લેવાય છે. કોઈ વિકલ્પ વગર તેના બંધ કરી દેવું યોગ્ય નથી, તેથી તેના માટે પહેલા તેના વિકલ્પો શોધવા અત્યંત જરૂરી છે.