ગુજરાતમાં પતંગ ચગાવવાના ગાંડપણને કારણે ઓછામાં ઓછા ૧૬ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મોટાભાગના લોકો કાંચના માંજાથી તેમનુ ગળુ કપાવાને કારણે મૃત્યુ પામ્યા હતા. બીજા કેટલાંક કિસ્સામાં પતંગ પકડવા જતી ટેરેસ પરથી પડી જવાના કિસ્સા તથા વીજળીનો કરંટ લાગવાને કારણે મૃત્યુ નીપજયા હતા. રાજયમાં રાજકોટ, મોરબી, અમદાવાદ, વડોદરા, ખંભાત, મહેસાણા, સુરત અને બનાસકાંઠામાં ઉત્તરાણને કારણે મૃત્યુ થયા હોવાના કિસ્સા નોંધાયા હતા.
રાજકોટમાં ઘંટેશ્વરના રહેવાસી રાજુ નકુમ ટ્રેનના પાટા પર પતંગ પકડવા દોડતા ધસમસતી ટ્રેનની અડફેટે આવી ગયા હતા. મોરબીમાં ૪૫ વર્ષના ભરત મકવાણા પતંગ ચગાવતા ટેરેસ પરથી પડી ગયા હતા. મોરબીના ૧૪ વર્ષના યશ મન્નીને પતંગ પકડવા જતા હાઈ ટેન્શન વાયરનો ઝટકો લાગતા તેમનું મૃત્યુ થયુ હતુ.
વડોદરામાં કાંચ પાયેલા માંજાએ નવા પરણેલા પ્રિયાંક પરમાર નામના ૨૮ વર્ષના યુવકનું ગળુ કાપી નાંખ્યુ હતુ. ઉત્તરાયણની સાંજે તે પોતાની પત્નીનો જન્મદિવસ મનાવી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. પરમાર અને તેની પત્ની સરસ્વતી કોમ્પ્લેકસ વિસ્તારમાં ફિલ્મ જોઈને બાઈક પર પાછા ફરતા હતા ત્યારે પરમારનું ગળુ કપાઈ ગયુ હતુ.
માણેજાની શ્રીજી સોસાયટીમાં રહેતા પરમારને તરત જ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો પરંતુ તેને બચાવી શકાયો નહતો. વડોદરામાં તરસાલી નજીક શરદ નગર વિસ્તારમાં રસ્તા પર જ રહેતા ૧૭ વર્ષની એક યુવતીનું હાઈ ટેન્શન વાયરમાંથી પતંગ હટાવવા જતા મૃત્યુ થયુ હતુ. તેને બચાવવા તરત જ ૧૦૮ બોલાવવામાં આવી હતી પરંતુ તેને બચાવી શકાઈ નહતી. સુરતમાં ૧૦ વર્ષના બાળક સહિત ચાર વ્યકિતના પતંગને લગતા અકસ્માતમાં મોત થયા હતા. લિંબાયતના રહેવાસી ગુડ્ડુ સુધીર સિંહનું વરાછા ફલાયઓવર પર ગળુ કપાતા તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
ત્રણ બાળકોનો પિતા સિંહ બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. ભેસ્તાનના રહેવાસી ૧૯ વર્ષના નાવેદ મુસ્તાક શેખને પણ ગળામાં ગંભીર ઈજા થઈ હતી અને તેણે સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પાંચમા ધોરણનો વિઘાર્થી કાકડિયા મોટા વરાછાના એક એપાર્ટમેન્ટના પાંચમા માળેથી પડી જતા તેનું મૃત્યુ થયુ હતુ. તે પતંગ પકડવા જતા આ દુર્ઘટના બની હતી. તેના પિતા દીપક એમ્બ્રોઈડરીના વ્યવસાયમાં છે. ઈમર્જન્સી સર્વિસને બે દિવસની અંદર અંદર ઉત્તરાણના અકસ્માતોના ૩૫ ફોન આવ્યા હતા. ૧૦ વર્ષના બાળક હૃતિક રોશન કુર્મી પતંગ પકડવા જતા એક બસની અડફેટે આવી ગયો હતો. તેના પિતા જયેન્દ્રએ સોમવારે તેના મૃતદેહની ઓળખ કરી હતી. મહેસાણાના ગોઝારિયા ગામમાં ૨૪ વર્ષના ગેરેજના માલિક કલ્પેશ પટેલનું ગળુ તેના ઘર નજીક જ કપાયુ હતુ.
બીજા અકસ્માતોમાં ભંગારનો વ્યવસાય કરતા બનાસકાંઠાના બહાદુરસિંહ કિનવાઉનું મૃત્યુ થયુ હતુ. માંજાથી પોતાની જાતને બચાવવા જતા તે બાઈક પરથી પડી ગયો હતો અને ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થઈ ગયુ હતુ. અમદાવાદમાં આઠ વર્ષના બાળક સહિત ઓછામાં ઓછા ત્રણ વ્યકિતના મૃત્યુ થયા હતા.
સૌજન્ય