આજે રાજ્યના શિક્ષણમંત્રી અને રાજકોટના પ્રભારી જીતુ વાઘાણી શહેરના પ્રમુખસ્વામી ઓડિટોરીયમ ખાતે સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમ્યાન તેમણે ભાંગરો વાટ્યો હતો. આ દરમ્યાન જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, જ્યારે ચીન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલતું હતું એ સમયે PM મોદીએ રશિયા અને યુક્રેનને 6 કલાક યુદ્ધનો વિરામ કરવા કહ્યું હતું અને યુદ્ધનો વિરામ આવ્યો, કારણ કે વિદ્યાર્થીઓ ભાજપનો ધ્વજ લઈને નીકળ્યા હતા.
નોંધનિય છે કે, શિક્ષણમંત્રીને અચાનક પોતાની ભૂલનું ભાન થતા તેમણે તરત જ શબ્દો સુધારી ચીનનું યુક્રેન અને ભાજપના ધ્વજના સ્થાને ભારતના રાષ્ટ્રનું ઉચ્ચારણ કર્યું હતું. આ સંમેલન દરમ્યાન જીતુભાઈ વાઘાણીએ વિપક્ષ પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે, પહેલાં સરકારી ભરતીમાં લેખિત પરીક્ષાઓ જ નહોતી લેવાતી. સીધો ઇન્ટરવ્યુ લેવાતો અને જેને પસંદ કરવા હોય તેને લઈ લેવામાં આવતા. આજે પણ સચિવાલયમાં તપાસ કરો તો કોંગ્રેસના બાપ-દાદાનાં બેંક એકાઉન્ટ નંબર નીકળશે. પહેલાંની સરકારમાં રૂપિયા લઈને જ સરકારી ભરતીઓ કરવામાં આવતી. અમે હવે લેખિત પરીક્ષા કરીએ છીએ.