પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે ટ્વિટ કરી જણાવવામાં આવ્યું કે આવતા વર્ષ સુધીમાં કેન્દ્રના દરેક ડિપાર્ટમેન્ટમાં 10 લાખ જેટલી નોકરી આપવમાં આવશે. આ સાથે પીએમ મોદીએ બે વર્ષ બાદ આવતી 2024 ની લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. કેન્દ્રમાં છેલ્લા ઘણા સમયથી ઘણા બધા પદો ખાલી છે તેમ છતાં પણ અત્યાર સુધી ભરતી પ્રક્રિયા કરવામાં આવી ન હતી અને ગુજરાતની જેમ કેન્દ્રમાં પણ કોન્ટ્રાકટ બેઇઝ સિસ્ટમ દાખલ કરવામાં આવી છે જેને લીધે લાખો યુવાનો બેરોજગાર થયા છે.
ભારત સરકારના વિવિધ વિભાગોમાં 2014 થી અનેક પદો માટે નોકરીની વિપુલ તક હતી પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા આ પદો પર નોકરીની જાહેરાત જ કરવામાં આવી ન હતી. હવે જયારે 2024 ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પીએમ દ્વારા યુવાનોને આકર્ષવા માટે 2023 માં 10 લાખ નોકરીની તકો આપવામાં આવશે. આ નોકરીની જાહેરાત હાલ તો કરવામાં આવી છે પણ ખરેખર 10 લાખ નોકરી યુવાનોને મળશે કે કેમ કે પછી ચૂંટણીના વાયદામાં જ રહી જશે.
ભારતમાં ઈજનેર, ડૉક્ટર, શિક્ષણ તેમજ વિવિધ ખાતાઓમાં યુવાનો નોકરીની રાહ જોઈ રહ્યા છે પરંતુ હવે તેઓને એક આશા મળી છે કે આવતા વર્ષે વિવિધ ક્ષેત્રોમાં નોકરી માટેના ફોર્મ ભરી શકશે અને નૌકરી મેળવી શકશે. ભારતમાં જયારે જયારે ચૂંટણી આવે છે ત્યારે મોટા મોટા વાયદાઓ કરવામાં આવે છે. આ નોકરીનો વાયદો સાચો નીકળે અને આગળના વર્ષમાં નોકરીની ભરતી કરવામાં આવે તો યુવાનોને પોતાની ક્ષમતા પ્રમાણે નોકરી મળે અને બેરોજગારીનું પ્રમાણ પણ ઘટે.
નરેન્દ્ર મોદીએ 2024 ચૂંટણી પહેલા જ યુવાનોને પોતાની તરફ ખેંચવાનો આ માસ્ટર સ્ટોક લગાવી દીધો છે અને 2024 ના એક વર્ષ પહેલા જ 2023 માં 10 લાખ નોકરીની જાહેરાત કરવામાં આવી છે જો કે કેન્દ્રમાં 50 લાખ ભરતી કરે તો પણ ઓછી છે ત્યારે ભારતમાંથી 10 લાખ નોકરી ખુબ જ ઓછી ગણવામાં આવે છે.