કોરોના મહામારીએ છેલ્લા બે વર્ષમાં ભારતને જ નહીં પરંતુ પુરા વિશ્વને હચમચાવી નાખ્યું છે. આ મહામારીને કારણે વિશ્વમાં લોકડાઉન લગાડવામાં આવ્યું જેને પગલે વિશ્વ આખું આર્થિક મંદીનો માર સહન કરી રહ્યું છે. ગુજરાતમાં પણ કોરોના મહામારીએ ભરડો લીધો હતો તેમાં પણ પહેલી લહેર કરતા બીજી લહેર વધુ ઘાતક નીવડી હતી.
બીજી લહેરને પગલે ગુજરાત રાજ્યમાં કડક પગલાં અને સુરક્ષાની વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી જેથી ગુજરાતમાં ત્રીજી લહેરની અસર નહિવત રહી હતી. ત્રીજી લહેર પુરી થઇ ગયા બાદ ગુજરાત રાજ્યમાં ધંધા રોજગાર તેમજ જનજીવન સામાન્ય થઇ ગયું હતું. ગુજરાત સરકાર દ્વારા પણ બધી પાબંધી હટાવી દીધી હતી. છેલ્લા એક અઠવાડિયામાં ફરી એક વાર ભારતમાં કોરોના કેસો વધવા લાગ્યા છે અને ગુજરાત રાજ્ય પણ તેમાંથી બાકાત નથી.
ગુજરાતમાં પણ રોજના કેસો વધવા લાગ્યા છે આવી સ્થિતિમાં ગુજરાતમાં અમદાવાદમાં ફરીવાર એસટી, રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર કોરોના ટેસ્ટની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોના વધવાની સાથે જ અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં કોરોનાની ચોથી લહેરની શરૂઆત થઇ ગઈ છે અને રોજ કેસ વધતા હોવાથી તંત્રની ચિંતામાં પણ વધારો કરી દીધો છે.
લોકો માસ્ક પહેરતા બંધ થઇ ગયા છે, જાહેર સ્થળોએ ભીડ થવા લાગી છે અને હાથને સેનિટાઇઝ પણ નથી કરતા અને ભીડભાડમાં કોરોના જલ્દી ફેલાય રાહ્યો છે. જો આમને આમ કેસો વધશે તો કોરોનાને વકરતા વાર નહીં લાગે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતથી બહાર આવતા લોકો પર ખાસ નજર રાખવી પડશે અને જાહેર સ્થળોએ માસ્ક અને સેનિટાઇઝ ફરિજયાત કરવું પડશે તો જ ગુજરાતમાં ચોથી લહેર મોટું સ્વરૂપ થતા અટકાવી શકાશે. જો સરકારની સાથે લોકો પોતાનું ધ્યાન નહીં રાખે તો ગંભીર પરિણામ આવી શકે છે.