ભાજપથી લઈ ભાજપ સુધી / જગ ઘૂમીયા મેં તારે જૈસા ન કોઈ
– ભરૂચના ખુમાનસિંહ વાંંસિયાનું ભાજપા, રાજપા, કોંગ્રેસ, ભાજપ, અપક્ષમાં 42 વર્ષ ભ્રમણ કરી ફરી ભાજપમાં ગૃહ પ્રવેશ
– વર્ષ 2017 માં બળવો કરી જંબુસર વિધાનસભા બેઠક ઉપર અપક્ષ તરીકે લડ્યા હતા
– હરસિદ્ધિ કો.ઓ. ક્રેડિટ સોસાયટીના ચેરમેન સાથે વિધવાઓને પેન્શન અપાવવામાં પણ અહમ ભૂમિકા ભજવી
– વન પર્યાવરણ અને શહેરી વિકાસ મંત્રી રહી ચૂક્યા છે
– ગુજરાતમાંથી દંભી દારૂબંધી દૂર કરવા પણ તેઓએ નિવેદન આપી ભારે ચર્ચામાં રહ્યા હતા
કેસરિયા બાલમ પધારો મારે દેશ… વર્ષોથી આ જેમની મોબાઇલની ડાયલર ટ્યૂન રહી છે એવા ભરૂચ જિલ્લાના સહકારી ક્ષેત્રે આગળ પડતા અને 5 વર્ષ પહેલાં ભાજપથી વિમુખ થયેલા પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા ફરી ભાજપ પરિવારમાં જોડાય કેસરિયો ધારણ કરી લીધો છે. જોકે 42 વર્ષની રાજકીય સફરમાં ભાજપ, રાજપા, કોંગ્રેસ, ભાજપ, અપક્ષમાં ભ્રમણ કરી ફરી ભાજપામાં જોડાયા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભરૂચના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. ગુજરાતના પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા એ વર્ષો બાદ ઘર અને પરિવાર વાપસી કરી છે અને ફરી એકવાર ભાજપમાં જોડાયા છે. આજરોજ બપોરે 12 કલાકે તેઓએ ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપના કાર્યાલય કમલમ ખાતે કેસરીયો ધારણ કર્યો હતો.
ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલએ તેમણે ભાજપમાં વિધિવત પ્રવેશ કરાવયો. ખુમાનસિંહ વાંસીયા ગુજરાત સરકારમાં શહેરીવિકાસ મંત્રી રહી ચૂક્યા છે ત્યાર બાદ તેઓ રા.જ.પા.માં જોડાયા હતા. જે બાદ કોંગ્રેસ અને ફરી પાછા ભાજપમાં વળ્યાં હતા. વર્ષ 2017માં ગત વિધાનસભાની ચૂંટણી જંબુસર બેઠક પરથી અપક્ષ તરીકે લડ્યા હતા અને તેઓએ હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે તેમની અપક્ષ તરીકેની દાવેદારીના કારણે ભાજપને પણ મતોનું વિભાજન થતા આ બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો.
ખુમાનસિંહ વાંસિયા અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા છે તેઓ હર સિધ્ધિ કો-ઓપરેટીવ બેન્કના ચેરમેન છે તો વિધવા મહિલાઓને હક્ક અપાવવા આંદોલન પણ કરી ચૂક્યા છે.
તેઓએ ગુજરાતમાંથી દારૂબાંધી હટાવવાનું નિવેદન આપી વિવાદ પણ છેડ્યો હતો. જો કે હવે તેઓએ ભાજપમાં વિધિવત રીતે પ્રવેશ કર્યો છે ત્યારે જોવાનું રહેશે કે આવનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કયા નવા રાજકીય સમીકરણો રચાય છે.