કોરોનાનાં કારણે લોકડાઉન જાહેર કરાયા બાદ પણ સ્થિતિ કાબૂમાં ન આવતા જુનથી શરૂ થતા સ્કૂલના સત્ર હજુ સુધી ખુલી શક્યા નથી. અને શાળાઓ ક્યારે ખુલશે તે અંગે હજુ અનિશ્ચિતતા પ્રવર્તે છે. પરંતુ ખાનગી શાળાના સંચાલકો આ કોરોના કાળમાં પણ પોતાની લાલચુવૃતિ ચાલુ રાખી રહ્યા છે, અને આવા કપરા સમયમાં પણ વાલીઓ પાસેથી ફી ઉઘરાવવા માટે દબાણ કરી રહ્યા છે. બે માસ જેટલો લોકડાઉન અને ત્યારબાદ પણ સ્થિતિ એની એ જ રહેતા અને કોરોના વાયરસ વધુને વધૂ પ્રકોપ બતાવી રહ્યો છે અને હજુ પણ રાબેતા મુજબ દેશમાં ધંધાઓ-રોજગારો શરૂ થયા નથી. ત્યારે ગુજરાતભરમાં સ્કૂલ ફીની માફી અંગે પણ વાલીઓ, સગઠનો, સરકાર સમક્ષ રજૂઆતો અને આંદોલનો પણ કરી ચુક્યા છે. પરંતુ ગુજરાત સરકારના પેટનું પાણી હજુ હલ્યું નથી. જોકે રાજસ્થાન સરકારે જ્યાં સુધી ખાનગી શાળાઓ ન ખુલે ત્યાં સુધી સ્કૂલ ફી માફ કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર હોવા છતા ગુજરાતમાં ફી માફી અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેની વચ્ચે રાજસ્થાનમાં કોંગ્રેસની અશોક ગેહલોતની સરકારે વાલીઓ માટે મોટી રાહત આપી છે. ઉલ્લેખનિય છે કે, રાજસ્થાનમાં પણ કોરોનાનું સંક્રમણ હજુ થંભ્યું નથી અને સ્કૂલો ખુલવા અંગે હજુ પણ સરકાર વિચાર કરી રહી નથી. ત્યારે ગુજરાતની જેમ જ રાજસ્થાનમાં પણ ફી માફી અંગે વાલીઓ દ્વારા સરકારને રજૂઆતો કરાઈ હતી. અને આખરે કોંગ્રેસની રાજસ્થાન સરકારે જ્યાં સુધી ખાનગી શાળાઓ ન ખુલે ત્યાં સુધી ફી માફીની જાહેર કરી છે. ત્યારે પોતાને સંવેદનશીલ અને વિકાસશીલ ગણાવતી ગુજરાતની રૂપાણીની ભાજપ સરકાર પણ આ મુશ્કેલીના સમયે વાલીઓ પ્રત્યે સંવદના દાખવે તેવી માંગ કરવામાં આવી રહી છે. જો કે હવે તો વાલીઓ પણ જાણે છે કે જેમ કોરોનાને રોકવામાં પણ ગુજરાત સરકાર નિષ્ફળ રહી છે ત્યારે ફી માફી અંગે કોઈ નિર્ણય લે તેવી આશા કે શક્યતા સેવાતી નથી.
રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારે ખાનગી શાળાઓમાં સ્કૂલ ફી માફ કરી : ગુજરાતમાં પોતાને સંવેદનશીલ ગણાવતી ભાજપ સરકાર કયારે નિર્ણય કરશે..?
Advertisement