બૉલીવુડના અભિનેતા અક્ષય કુમારે આજે ગુજરાતના વેરાવળ પાસે આવેલા અને પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરની મુલાકત લીધી હતી અને પ્રથમ પુજા કરી સોમનાથ મંદિરમાં સોમેશ્વર મહાપૂજનનો લાભ લીધો. આજરોજ સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મ પ્રમોશન માટે અભિનેતા અક્ષય કુમાર, ડિરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી અભિનેત્રી માનુષી છીલ્લર સહિત સોમનાથ મંદિર ખાતે પહોચ્યા હતા. તેઓએ આજરોજ સોમેશ્વર મહાપુજનનો શુભારંભ કરવામાં આવેલ હતો.
આ પુજન કરવા માટે શ્રધ્ધાળુઓ શ્રી સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ www.somnath.org પરથી ઓનલાઇન તેમજ મંદિરના પુજાવિધિ કાઉન્ટર પર ઓફલાઇન પણ પુજા નોંધાવી શકશે. હાલમાં આ પુજાના સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર ખાતે ત્રણ સ્લોટમાં આ પુજાનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં સવારે 8-00 કલાકે, સવારે 9-00 કલાકે, સવારે 10-00 કલાકે કુલ ત્રણ સ્લોટમાં દર કલાકે યજમાન પુજા કરી ધન્ય બની શકશે.
શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સોમેશ્વર મહાપુજાના પુજનનો સંકલ્પ કરી, ગણપતિ ધ્યાન કરી, કળશમાં વરુણદેવ તથા સમસ્ત તીર્થોનુ આવાહન કરી, ભગવાન શ્રી સોમનાથ મહાદેવનુ ધ્યાન કરી, વિવિધ દ્રવ્યો જેવા કે દુધ, દહીં, ધી, મધ, ખાંડ, ચંદન, અતર અને ભસ્મ વગેરેથી સ્નાન કરાવી, રુદ્રશુક્તના ૬૬ મંત્રો દ્વારા ભગવાનનો અભિષેક કરાવવામાં આવે છે. ત્યારબાદ ભગવાનને વસ્ત્ર, જનોઇ, ચંદન, ચોખા, ફુલ, ફુલહાર, બિલ્વપત્ર, અબીલ, ગુલાલ, ધુપ, દીપ, નેવૈદ્ય, મુખવાસ, નીરાજનમ, મંત્રપુષ્પાંજલી, પ્રદક્ષીણા અને પ્રાર્થના આમ અનેક ઉપચારોથી પૂજા કરવામાં આવે છે.
આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રો.જે ડી પરમાર, કોર્ડિનેટર ડો.યશોધરભાઇ ભટ્ટ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા તમામ મહાનુભાવોનું સ્વાગત સન્માન કરવામાં આવેલ હતું.