રાહુલ ગાંધી ફરી વખત ગુજરાતના પ્રવાસે આવશે બીજી વખત આદિવાસી વિસ્તારમાં સભાને સંબોધન કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સૌ કોઈની નજર આદિવાસી વોટબેંક પર છે. તમામ પાર્ટીઓ દ્વારા આદિવાસી વિસ્તારની અંદર મોટી સભાઓના આયોજનો એક પછી એક થઈ રહ્યા છે ત્યારે અગાઉ દાહોદમાં રાહુલ ગાંધીનો પ્રવાસ મે મહિનાની અંદર થયો હતો. ત્યારે ફરી વાર 12 જૂનના રોજ રાહુલ ગાંધી આદિવાસી વિસ્તારમાં આવી રહ્યા છે.
વાંસદામાં 12 જૂનના રોજ સભાને સંબોધન રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવશે. 12 મી જૂને દક્ષિણ ઝોનના વાંસદા ખાતે આદિવાસી સત્યાગ્રહ સંમેલનને સંબોધન કરી ચૂંટણી પ્રચારનો શંખનાદ રાહુલ ગાંધી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ફૂંકશે. તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચારનો દોર શરૂ થઈ ગયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 10 જૂનના રોજ ચીખલી ખાતે દક્ષિણ ગુજરાતમાં આવે તેવી શક્યતાઓ છે ત્યારે રાહુલ ગાંધીનો પ્રવાસ પણ 12 જૂનના રોજ યોજાઈ રહ્યો છે જેને લઇને કોંગ્રેસે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ તેમજ પ્રભારી સહિતના પ્રદેશના નેતાઓ દ્વારા આ વિસ્તારની મુલાકાત પણ લેવામાં આવી છે અને બેઠકમાં દક્ષિણ ગુજરાતની અંદર યોજવામાં આવી હતી.
વિધાનસભા ચૂંટણીના વર્ષને ધ્યાનમાં રાખી કોંગ્રેસ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી તેમજ સોનિયા ગાંધીને ગુજરાતમાં ચૂંટણીના પ્રચાર માટે આવવાનું આમંત્રણ આપ્યું હતું, ત્યારે આગામી સમયમાં સૌરાષ્ટ્ર કચ્છનું સંમેલન પણ જૂન મહિનાની અંદર યોજવામાં આવશે. પ્રિયંકા ગાંધી પણ આગામી સમયમાં વિવિધ મહિલા મોરચાઓ સાથે બેઠકો કરશે.