કોરોના પૂર્વે માત્ર 228 કંપની જ સેનિટાઇઝર બનાવતી હતી. ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેટરે કુલ 320થી વધુ નવા પ્લાન્ટ સ્થાપવા મંજૂરી આપી હતી, જેમાંથી સેનિટાઇઝર બનાવતી કંપનીઓ 226 કોસ્મેટિક સેગ્મેન્ટ, 86 આયુર્વેદ હતી. શું કોરોનાનો ડર હવે ખતમ થઇ રહ્યો છે? રાજ્યમાં સેનિટાઇઝરના ઝડપથી ઘટતા ઉપયોગથી તો આ જ સંકેત મળે છે. છેલ્લા 4 મહિનામાં સેનિટાઇઝરની માગ અને સપ્લાયમાં ભારે ઘટાડો થયો છે. બીજી લહેર તેની પરાકાષ્ઠાએ હતી ત્યારે રાજ્યમાં રોજ 90 હજાર લિટર સેનિટાઇઝર બનતું હતું, જે હવે ઘટીને 7થી 10 હજાર લિટર થઇ ચૂક્યું છે. માગ પણ અગાઉ 2800% સુધી વધી ગઇ હતી, જે હવે માત્ર 20% થઇ ગઇ છે.
કોરોનાકાળ દરમિયાન રાજ્યમાં કુલ 633 કંપનીઓને 4,775 પ્રોડક્ટ બનાવવાના લાઇસન્સ અપાયા હતા. છેલ્લા એક વર્ષમાં શરૂ થયેલી કંપનીઓમાંથી 93%એ સેનિટાઇઝરનું ઉત્પાદન બંધ કરી દીધું છે. કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ ફેડરેશનના જયસુખ પટેલે જણાવ્યું હતું કે, અગાઉ દરેક વ્યક્તિ પોતાની પાસે અચૂક સેનિટાઇઝર રાખતી હતી. પહેલા વ્યક્તિદીઠ 100 એમએલ સેનિટાઇઝર રાખવામાં આવતું. હવે પરિવારદીઠ 100 એમએલ સેનિટાઇઝર રાખવામાં આવે છે.કોરોનાકાળમાં માગ વધતા સરકારે નિયમોમાં છૂટ આપી હતી જેથી સુગર મિલો પણ સેનિટાઇઝર બનાવવા લાગી, જે કરિયાણાની દુકાનોમાં પણ વેચાયું. હવે માગ ઘટતાં બચેલો સ્ટોક ખરાબ થવા લાગ્યો છે.