નવરાત્રિની નવમીનો બીજો દિવસ આસો સુદ દશમ એટલે દશેરા. દશેરાને દિવસે પ્રભુ શ્રી રામ દ્વારા અભિમાની ઘમંડી અને લંકાના અધિપતી રાવણનો વધ કરવામાં આવ્યો. રામ-રાવણ વચ્ચે ચાલતાં લાંબા યુદ્ધનો અંત આવ્યો. અસુર પર સુરનો વિજય, અસત્ય પર સત્યનો વિજય એટલે દશેરા. હિંદીમાં ‘દશ હરાલ્લ એટલે દશેરા – રાવણનાં દશ માથાં એક પછી એક ઊભાં થતાં ગયાં અને છેવટે શ્રીરામે રાવણની નાભિમાં બાણ માર્યું અને રાવણનો નાશ થયો.
દશેરા હિન્દુઓનો ખાસ તહેવાર છે. તેને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર નવરાત્રીના અંતે ઉજવવામાં આવે છે. આ વર્ષે દશેરાની ઉજવણી 15 ઓક્ટોબર શુક્રવારના રોજ થશે. આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કરી અને પૃથ્વીને તેના અત્યાચારોમાંથી મુક્ત કરી હતી. આ તહેવારને અસત્ય પર સત્યની જીત તરીકે પણ ઉજવવામાં આવે છે અને આ દિવસે શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. મા દુર્ગાએ આ દિવસે મહિષાસુરનો નાશ કર્યો હોવાથી તેને વિજયાદશમી તરીકે પણ ઉજવવામાં આવે છે.
પૌરાણિક કથા અનુસાર, નવરાત્રિની શરૂઆત શ્રીરામે કરી હતી. અશ્વિન માસમાં શ્રી રામે માતા દુર્ગાના નવરૂપોની પૂજા કરી હતી. રાવણે માતા સીતાનું અપહરણ કર્યું હતું. ત્યારે ભગવાન રામ માતા સીતાને બચાવવા અને અધર્મી રાવણનો નાશ કરવા રાવણ સાથે ઘણા દિવસો લડ્યા હતા. રાવણ સાથેના આ યુદ્ધ દરમિયાન ભગવાન રામે અશ્વિન મહિનાના નવરાત્રિના દિવસોમાં સતત નવ દિવસ માતા દુર્ગાની પૂજા કરી હતી. આ પછી જ માતા દુર્ગા મા દુર્ગાના આશીર્વાદથી ભગવાન રામે નવરાત્રિના દસમા દિવસે રાવણની હત્યા કરી હતી. ત્યારથી આ પરંપરા દર વર્ષે ઉજવવામાં આવે છે.
દર વર્ષે દશેરાના દિવસે રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળાનું અનિષ્ટના પ્રતીક તરીકે દહન કરવામાં આવે છે. ભગવાન રામ દ્વારા રાવણના નાશની કથા સિવાય બીજી એક પૌરાણિક કથા છે. તે મુજબ અસુર મહિષાસુર અને તેની સેના દેવતાઓને હેરાન કરી રહી હતી. આ કારણે માતા દુર્ગાએ સતત નવ દિવસ સુધી મહિષાસુર અને તેની સેના સામે લડત આપી હતી અને આ યુદ્ધના દસમા દિવસે માતા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો. એટલા માટે તેને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે.