દેવી ભાગવત પુરાણ પ્રમાણે આઠમ તિથિએ કન્યા પૂજન અને તેમને ભોજન કરાવવાથી આખી નવરાત્રિનું ફળ મળે છે. આવું કરવાથી દેવી પ્રસન્ન થાય છે. નવરાત્રિની આઠમ તિથિએ દેવીની ખાસ પૂજા કરવાની પરંપરા છે. જે ત્રેતાયુગથી ચાલી રહી છે, જ્યારે શ્રીરામજીએ રાવણ ઉપર વિજયની કામના સાથે શક્તિ આરાધના કરી હતી. તે પછી દ્વાપર યુગમાં પણ શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને શરદ ઋતુની આઠમ તિથિ (દુર્ગાષ્ટમી)એ દેવી પૂજનની વિધિ જણાવી હતી. દેવી મહાપુરાણ પ્રમાણે આઠમ તિથિએ દેવી પ્રગટ થયા હતાં અને આ તિથિએ ભૈરવ પણ પ્રગટ થયાં હતાં.
માર્કંડેય પુરાણમાં પણ દુર્ગાષ્ટમી અંગે ઉલ્લેખવામાં આવ્યું છે કે આ તિથિએ દેવી પૂજા કરવાથી દરેક પરેશાનીઓ દૂર થાય છે અને ક્યારેય દરિદ્રતા આવતી નથી. નવરાત્રિ દરમિયાન સંધિપૂજાનું ખાસ મહત્ત્વ છે. આ તે સમય હોય છે જ્યારે આઠમ તિથિ પૂર્ણ થઈ રહી હોય અને નોમ તિથિ શરૂ થઈ રહી હોય. તેમાં આઠમ તિથિની છેલ્લી 24 મિનિટ અને નોમ તિથિની શરૂઆતની 24 મિનિટ એટલે કુલ 48 મિનિટ હોય છે. આ સંધિકાળને દેવી પૂજા માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ ખાસ સમય આ વખતે 13 ઓક્ટોબર, બુધવારે રાતે 10.56થી 11.44 સુધી રહેશે. માન્યતા છે કે આ સંધિકાળમાં દેવી ચામુંડા પ્રગટ થયા હતાં અને ચંડ-મુંડ નામના રાક્ષસોને માર્યા હતાં. આ ખાસ કાળમાં દેવીના ચામુંડા સ્વરૂપની પૂજા કરવાથી દુશ્મનો ઉપર વિજય અને બીમારીઓથી છુટકારો મળે છે.