સામાન્ય રીતે 17 સપ્ટેમ્બર બાદ ચોમાસાની વિદાય શરૂ થાય છે પરંતુ આ વખતે ઓક્ટોબરના બીજા સપ્તાહથી ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓક્ટોબરના બીજા સપ્તાહથી ગુજરાતમાં રાત્રે ઠંડીના ચમકારા અને બપોરે આકરો તાપ લાગશે. જેથી બેવડી મોસમ શરૂ થશે. ગુજરાતમાં જૂનથી ઓગસ્ટ દરમિયાન માત્ર 14.31 ઈંચ વરસાદ નોંધાતાં વરસાદની ઘટની ભીતિ સર્જાઇ હતી.
સપ્ટેમ્બરના પ્રારંભે વરસાદની 45%થી વધારે ઘટ હતી, પરંતુ સપ્ટેમ્બરમાં 16.77 ઈંચ સાથે જ રાજ્યમાંથી વરસાદની હવે ઘટ પણ રહી નથી. નવરાત્રિના પ્રથમ દિવસે જ મેઘરાજાએ ખેલૈયાઓની મજા બગાડી હતી. અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતાં માંડવી અને મંડપો પલળી ગયાં હતાં. રાજ્યમાં અરબ સાગરમાં રહેલો ભેજ હજી વરસાદ ખેંચી લાવે તેમ છે. જેથી નવરાત્રિના દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે ગુજરાતમા જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ સુધી જાણે દુકાળ પડવાનો હોય તેવી સ્થિતિ હતી. પરંતુ સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી જ રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયાં હતાં અને સમગ્ર સિઝનની ખોટ પૂર્ણ કરી દીધી હતી.