પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નટુકાકા અને અરવિંદ ત્રિવેદીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, આપણે 2 પ્રતિભાશાળી કલાકારો ગુમાવ્યા છે. ઘનશ્યામ નાયક બહુમુખી ભૂમિકા માટે યાદ રહેશે. તો અરવિંદ ત્રિવેદી જનસેવા માટે ઉત્સાહી હતા. રામાયણમાં તેમના અભિનય માટે તેઓ કાયમ યાદ રહેશે. બંને કલાકારોના પરિવારજનો, પ્રશંસકો પ્રત્યે સંવેદના છે. રામાયણ સિરિયલમાં ‘રાવણ’નું પાત્ર ભજવનારા દિગ્ગજ અભિનેતા અરવિંદ ત્રિવેદીનું 82 વર્ષની વયે નિધન થયું છે. અરવિંદ ત્રિવેદીએ 300થી વધુ ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. અરવિંદ ત્રિવેદીએ ફિલ્મો ઉપરાંત અનેક નાટક સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મો સહિત સિરિયલ્સમાં પણ અભિનય કર્યો છે.
અરવિંદ ત્રિવેદીએ મુંબઈના કાંદિવલી સ્થિત નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા છે. અભિનેતા અરવિંદ ત્રિવેદીનું મૂળ વતન ઈડરના કુકડિયા ગામ છે. 1991થી 1996 સુધી સાંસદ સભ્ય તરીકે પણ તેઓ રહ્યા અને 2002માં ભારતીય સેન્સર બોર્ડના કાર્યકરી ચેરમન રહ્યા હતા. અરવિંદ ત્રિવેદીનો જન્મ મધ્યપ્રદેશનાં ઉજ્જૈનમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. પણ નસીબ તેમને અભિનયની દુનિયામાં લઈ આવ્યુ હતું.
તેમની કારકિર્દીની શરૂઆત ગુજરાતી નાટકોમાંથી થઇ હતી. તેમનાં ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં સુપરસ્ટાર હતાં. રાવણ ની ભૂમિકાથી લોકોના દિલોમાં રાજ કરનારા અરવિંદ ત્રિવેદી હવે નથી રહ્યાં. આજે 82 વર્ષની વયે તેમનુ નિધન થયુ હતું. પીએમ મોદીએ તારક મહેતા કા ઉલટા ચશ્મા શોના ‘નટુકાકા’ અને ‘લંકેશ’ ના નિધન પર શ્રદ્ધાંજલિ આપી છે. સાથે જ રામાયણમાં રામ અને સીતાની ભૂમિકા ભજવનારા કલાકારોએ પણ ભાવભીની આંખે અરવિંદ ત્રિવેદીને શ્રદ્ધાંજલિ આપી છે.