ભૂપેન્દ્ર પટેલની સરકાર સિટીઝન ચાર્ટર પદ્ધતિ પણ અમલમાં લાવી શકે છે, જેમાં દરેક વિભાગની કચેરીને અમુક સમય મર્યાદામાં લોકોના કામ કરવાનું જણાવાશે. આ સમયમર્યાદામાં કાર્યો પૂર્ણ ન થાય તો જવાબદાર અધિકારી સામે પગલાં લેવાશે. ગુજરાતમાં નવી બનેલી ભૂપેન્દ્ર પટેલની સરકાર 100 દિવસનો એક્શન પ્લાન બનાવવા જઈ રહી છે. અગાઉની આનંદીબેન પટેલની સરકારની માફક 100 દિવસના ગતિશીલ ગુજરાત એક્શન પ્લાનની માફક જ આ સરકાર પણ તેમની સરકાર બન્યાના સો દિવસની અંદર લક્ષ્યાંક સાથે લોકભોગ્ય પગલાં અને નિર્ણયોની જાહેરાત કરશે.સરકારની નિર્ણાયકતા અને કાર્યપ્રણાલીમાં ઝડપ આવે તે હેતુથી આ પ્રણાલી ઊભી કરાશે.
અગાઉ આનંદીબેન પટેલે પણ મુખ્યમંત્રી બન્યા બાદ આ મુદ્દાને પોતાના ગતિશીલ ગુજરાત એક્શન પ્લાનમાં સામેલ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે પ્રથમ કેબિનેટ બેઠકમાં દરેક વિભાગના સચિવોને આ માટે સૂચના અપાઈ હતી. આ સરકાર આગામી દિવસોમાં રોજ સરેરાશ એક નવા નિર્ણયની જાહેરાત કરવાના આયોજન સાથે આગળ વધી રહી છે. આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી સરકાર આ માટે એક નવા લક્ષ્યાંક સાથે કામ કરી રહી છે. આ નવા નિર્ણયોમાં સરકાર પોતાની કચેરીઓમાં નવી ભરતીઓ, શહેરો અને ગામોમાં માળખાકીય સુવિધાઓ, આરોગ્ય, શિક્ષણ અને કૃષિ તેમજ સામાજિક ક્ષેત્રમાં નવી યોજના અને નિર્ણયો જાહેર કરવા જઇ રહી છે.
આ તમામ વિષયો સરકારના 100 દિવસના એક્શન પ્લાનમાં આવરી લેવામાં આવશે. દરેક સચિવોને તેમના વિભાગવાર એક્શન પ્લાનમાં સમાવિષ્ટ કરી શકાય તેવાં લોકભોગ્ય નિર્ણય અને પગલાંની યાદી બનાવીને આવતી કેબિનેટ બેઠક પહેલાં મુખ્યમંત્રી કાર્યાલયમાં જમા કરાવવા જણાવાયું છે.