ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજ્યના 17 મા મુખ્યમંત્રી તરીકે બપોરે 2.20 કલાકે પદ અને ગુપ્તતાના શપથ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. ભૂપેન્દ્ર પટેલ આજે એકલા શપથ લેશે. અગાઉ રવિવારે સાંજે ભૂપેન્દ્ર પટેલે રાજભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળ્યા હતા અને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ આજે 2.20 મિનિટે સમયસર શપથ ગ્રહણ કર્યા છે. રાજ્યપાલે તેમને શપથ લેવા માટે આમંત્રિત કર્યાં છે. શપથ લીધા બાદ તરત ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા હતા.શપથવિધિ દરમિયાન વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના પૂર્વ મંત્રીઓ હાજર રહ્યા હતા. એ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલનો પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો. RSS, VHP, ABVP સહિતના અગ્રણીઓ કમલમ્ ખાતેથી રાજભવન ખાતે પહોંચી ગયા હતા. શપથ સમારોહમાં ભાગ લેવા ભૂપેન્દ્ર પટેલના પરિવારના સભ્યો પણ પહોંચી ગયા છે. પત્ની, પુત્ર, પુત્રવધૂ,પૌત્રી,પુત્રી અને અન્ય પરિવારના સભ્યો પ્રથમ હરોળમાં બેઠા હતાં. નીતિન પટેલ તથા ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યાં હતાં.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભૂપેંદ્ર પટેલને આજે મુખ્યમંત્રી તરીકેના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ બાદ નવ નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.શપથગ્રહણ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ તેમને અભિનંદન પાઠવ્યાં હતાં. મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન! આપને યશસ્વી કાર્યકાળ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. વડાપ્રધાન મોદીએ બીજા ટ્વીટમાં કહ્યું હતું કે વિજય રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ દરમિયાન લોકો સાથે મૈત્રીપૂર્ણ પગલાં લીધાં છે. તેમણે સમાજના તમામ વર્ગો માટે અથાક મહેનત કરી છે. મને ખાતરી છે કે તેઓ આવનારા સમયમાં જાહેર સેવામાં પોતાનું યોગદાન આપવાનું ચાલુ રાખશે.
રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ જાહેરાત થતાં જ સ્થાનિક લોકો અને કાર્યકરોમાં ખૂબ જ આનંદની લાગણી ફેલાઇ છે. ભૂપેન્દ્ર પટેલની સાંજે મુખ્યમંત્રીની જાહેરાત થતાં જ રાતોરાત ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં નવા મુખ્યમંત્રી તરીકે તેમને અભિનંદન આપતાં પોસ્ટરો લાગી ગયાં હતાં. સ્થાનિક મંડળો અને ઘાટલોડિયા વિધાનસભા તરફથી ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને અભિનંદન આપતાં પોસ્ટરો ઠેરઠેર જોવા મળ્યાં હતાં. ઘાટલોડિયામાં કે.કે નગર પાટીદાર ચોક, પ્રભાત ચોક, ઘાટલોડિયા ગામ, મેમનગર, સીપી નગર, ગુરુકુલ, નારણપુરા વગેરે જગ્યાએ 100થી વધુ અભિનંદનનાં પોસ્ટરો મારવામાં આવ્યાં છે.