ધોરણ 6 થી 8 ઓફલાઇન વર્ગો ચાલુ કરવા અંગે આખરે રાજ્ય સરકારે નિર્ણય લઈ લીધો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી કે, ગુજરાતમાં 2 સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8 ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠકમાં ધોરણ 6 થી 8 શાળાઓ 2જી સપ્ટેમ્બર ગુરુવારથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ 30 હજાર કરતાં વધુ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ શરૂ કરાશે. આ સાથે જ ગુજરાતમાં ૩૨ લાખ વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્યનો પ્રારંભ થશે.
ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારાજન્માષ્ટમી અને ગણપતિના તહેવારને લઇ રાત્રે કર્ફ્યુની સમયમર્યાદામાં વધારો કરવામાં આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ધીમે ધીમે કોરોનાની પરિસ્થિતિ થાળે પડી રહી છે અને જનજીવન રાબેતા મુજબ શરૂ થઈ રહ્યું છે. ત્યારે શિક્ષણ જગત માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ જેની ઘણા લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા 2 સપ્ટે.થી તે ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરવા માટે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરતા આ આતુરતાનો અંત આવ્યો છે.સાથે જ હાલ ગુજરાતમાં સૌથી વધુ ચર્ચાઈ રહેલા શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મામલે શિક્ષણમંત્રીએ કહ્યું કે, શિક્ષક સજ્જતા સર્વેક્ષણ આખા દેશમાં હકારાત્મક પહેલ ગુજરાતે કરી છે. આ માટે ૩૮ ટકા શિક્ષકોએ સર્વેક્ષણમાં ભાગ લીધો એ તમામ ભાઈ-બહેનોને અભિનંદન આપું છું. આ ફરજિયાત ન હતું, પણ મરજીયાત હતું.
તેની કોઈપણ પ્રકારની સેવા પોથીમાં કેરિયરમાં નોંધ પણ થવાની નથી. આ સંજોગોમાં 38% શિક્ષકો હાજર રહ્યા છે, બાકીના ભવિષ્યમાં પણ આ પ્રકારની સર્વેક્ષણ પદ્ધતિમાં જોડાય તેવો પ્રયત્ન કરવામાં આવશે. આ સર્વેક્ષણ ખૂબ સારું રહ્યું તેઓ શિક્ષકોએ પ્રતિસાદ આપ્યો છે.