ભાજપ અને કોંગ્રેસ સહિત હવે આમ આદમી પાર્ટીએ પણ સક્રિય થઈને રાજકીય માહોલ ગરમ કરી દીધો છે. ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાતના પાંચ નવનિયુક્ત મંત્રીઓને જવાબદારી સોંપી છે. આ મંત્રીઓ રાજ્યમાં જન આશીર્વાદ યાત્રા કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પણ ભાજપની આ યાત્રા સામે કોવિડ-19 ન્યાય યાત્રા શરૂ કરી રહી છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે કોરોના મહામારીમાં સરકારની જવાબદારી હતી કે લોકોને સારવાર આપે અને જીવ બચાવે, પરંતુ આ ભાજપની સરકાર ઉજવણીઓ કરે છે. અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે કોરોનાકાળમાં મૃત્યુ થયાં એ સરકારની બેદરકારીને કારણે થયાં. હવે કોરોના પીડિતોને ન્યાય મળે એ માટે આગામી 2 મહિના સુધી કોવિડ 19 ન્યાય યાત્રા યોજાશે. કોરોનામાં મૃત્યુ પામેલાઓનાં પરિવારજનને ચાર લાખ રૂપિયાના વળતરની માગ કરવામાં આવશે કોંગ્રેસના કાર્યકર મૃતકના પરિવારજનોને જઈને મળશે. ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું હતું કે સરકાર પાસે સમય હોવા છતાં થાળી અને વાટકી વગાડવામાં બગાડવામાં આવ્યો. ગુજરાતમાં બે લાખ જેટલા લોકોએ સારવાર અને સેવાના અભાવે જીવ ગુમાવ્યા છે. કોંગ્રેસ દ્વારા ન્યાય અને સુરક્ષા અભિયાન આજે શરૂ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા રાજ્યનાં 18 હજાર ગામ ,તાલુકા પંચાયત, વોર્ડ અને સેક્ટરદીઠ કોવિડ મેમોરિયલ બનાવશે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે 16 ઓગસ્ટને સોમવારથી પી.એમ મોદી સરકારના પાંચ મંત્રીઓ રાજ્યમાં 2,277 કિલોમીટરની જન આશીર્વાદ યાત્રા શરૂ કરી છે.