ત્રીજી લહેરના ભણકારા વધી રહ્યા છે. આ વચ્ચે ઘરે ઘરે શરદી-ખાંસીના કેસ વધી રહ્યા છે. આવામાં રાજ્ય સરકાર ધીરે ધીરે શાળાના વર્ગો શરૂ કરવાના નિર્ણય લઈ રહી છે. ત્યારે નિષ્ણાત તબીબ ડો.પાર્થિવ મહેતાએ ચેતવણી આપી છે કે, આવા સમયે સ્કૂલો શરૂ થતાં બાળકોને જોખમ વધી શકે છે.
કોઇપણ સમયે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. આવામાં લોકોની બેદરકારી અંગેરાજ્ય સરકારની કોવિડ કમિટિના સભ્યે ડો.પાર્થિવ મહેતાએ ગંભીર ચેતવણી આપતા કહ્યુ કે, ત્રીજી લહેર આવશે જ, લોકો બેદરકાર બિલકુલ પણ ન રહે. જે દેશોએ માસ્ક મામલે ઢીલાશ રાખી તે તમામ આજે પરિણામ ભોગવી રહ્યા છે. શાળાઓ ખોલવા અંગે રાજ્ય સરકારે નિર્ણય કર્યો ત્યારે પરિસ્થિતિ અલગ હતી. હાલના સમયે દેશમાં ધીમે ધીમે કેસ વધી રહ્યા છે, જે ખૂબ જ સુચક છે. હાલનુ વાતાવરણ બાળકો સહિત પરિવારના અન્ય સભ્યો માટે પણ જોખમરૂપ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, હાલ શરદી-ખાંસીના કેસ વધી રહ્યા છે. આવામાં બાળકો પણ તેનાથી બચી શક્યા નથી. આવામાં શાળામાંથી બાળક જ્યારે ઘરે પહોંચે તો તે પરિવારના અન્ય લોકોને પણ સંક્રમિત કરી શકે છે. સ્કૂલ ખૂલ્યા બાદ પીડિયાટ્રિશય પાસે શરદી-ખાંસી વાયરસથી ઈન્ફેક્શનના કેસ વધી રહ્યા છે. આ ઈન્ફેક્શન વધી રહ્યું છે. તેથી બાળકોનું સ્કૂલે ન જવુ જ વધુ હિતકારક છે.