દક્ષિણ ગુજરાતમાં ગણેશોત્સવથી 10 હજાર લોકોને રોજગારી મળે છે. મૂર્તિકાર, મંડપવાળા, ફૂલહાર વેચનારા માળી, ડેકોરેશનનો સામાન વેચનારા, ઇલેક્ટ્રીશ્યન વગેરેને કરોડો રૂપિયાનો ધંધો મળે છે.
કોરોનાના કેસ ઓછા થતાં સરકારે આ વર્ષે ગણેશોત્સવમાં 4 ફૂટ સુધીની પ્રતિમા સ્થાપવાની પરવાનગી આપતા ગણેશભક્તો ખુશ તો થયા છે પણ માટીની જ મૂર્તિ સ્થાપવાની હોઈ મૂર્તિકારો દ્વિધામાં મૂકાયા છે. મૂર્તિઓની ડિમાન્ડ વધુ નીકળશે એટલે ગયા વખતની સરખામણીમાં આ વર્ષે મૂર્તિઓના ભાવમાં 25 ટકાનો વધારો ગણેશભક્તોને ચૂકવવો પડે તેવો અંદાજ છે.
સાર્વજનિક ગણોશોત્સવમાં પંડાલ પણ દર વર્ષ કરતાં ઘટવાની શક્યતા છે. સમય ઓછો હોવાના કારણે મોટા જથ્થામાં માટીની મૂર્તિઓનું નિર્માણ શક્ય નથી. બીજી તરફ સાંજે સરકારે ગણેશોત્સવ માટે જાહેરાત કરતાં જ મૂર્તિકારો પાસે પ્રતિમાના બુકિંગની ઈન્કવાયરી શરૂ થઈ ગઈ હતી. આ વર્ષે 30 હજાર જેટલી મૂર્તિઓેની સ્થાપના થાય તેવી ગણતરી છે.
માટીની મૂર્તિ બનાવવા માટે સમય લાગતો હોય છે. સરકારે પણ નિર્ણય થોડો મોડેથી લીધો હોવાથી મોટી સંખ્યામાં મૂર્તિ બનાવવું શક્ય નથી. આ વર્ષે 30 હજાર મૂર્તિઓની સ્થાપના થાય તેવી શક્યતા છે. મૂર્તિકારો કહે છે કે, જ્યારે સુરતમાં મૂર્તિઓની અછત હોય છે ત્યારે મહારાષ્ટ્રના પેણ શહેરમાંથી તૈયાર મૂર્તિ લાવવામાં આવે છે અને અહીં કલર કરીને વેચાણ થાય છે. આ વર્ષે ડિમાન્ડ વધુ નીકળી તો પેણથી પણ મૂર્તિઓ લાવવામાં આવશે.
સાર્વજનિક ગણેશોત્સવ ઉજવવા પરવાનગી આપવા માટે ગણેશભક્તોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં તેમણે લોકોમાં જાગૃતિ લાવવા માટે કેટલાક કાર્યક્રમો કરવાનું જણાવ્યું હતું. ભક્તોએ વેક્સિન માટે જાગૃતિ, ફરજિયાત માસ્ક પહેરવા બાબતે, બ્લડ ડોનેશન કેમ્પ અને સ્વચ્છતા બાબતે જાગૃતિ આવે તેવા કાર્યક્રમો કરવા વાત કરી હતી.
ગણેશ ઉત્સવ સમિતિએ ગૃહમંત્રી સમક્ષ ગણેશોત્સવ ઉજવવા માટે માંગ કરી હતી, જે સરકારે ગ્રાહ્ય રાખી છે. ઘણા કારીગરો જતા રહ્યા છે એટલે મૂર્તિઓ ઓછી બને તેવી સંભાવના છે. પહેલા 65 હજાર મૂર્તિઓની સ્થાપના થતી હતી, આ વર્ષે 15 હજાર મૂર્તિ જ બની શકે એમ છે.
સરકારે ગણેશોત્સવ ઉજવવા મંજૂરી આપી તેનો આનંદ છે પણ નિર્ણય ખૂબ મોડો આપ્યો છે. આ જ નિર્ણય વહેલા કર્યો હોત તો મૂર્તિ મોટી સંખ્યામાં બનાવી શક્યા હોત. હવે ડિમાન્ડ વધુ હશે અને મૂર્તિ ઓછી હોવાથી તેમજ મટિરિયલના ભાવ વધવાથી મૂર્તિઓના ભાવમાં 25 ટકાનો વધારો થશે.