રાજ્યના શહેરોમાં આવતીકાલે બુધવારે કોરોનાની વેક્સિન લોકોને આપવામાં આવશે નહીં. રાજ્યમાં સપ્તાહમાં એક દિવસ કોરોના વેક્સિનેશન બંધ રાખવામાં આવશે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ મુજબ ‘મમતા દિવસ’એ બાળકોનું રસીકરણ થઈ શકતું નથી, જેથી દર બુધવારે કોરોના વેક્સિન હવે આપવામાં આવશે નહીં, એમ સૂત્રોએ જણાવ્યું છે.
જોકે સરકાર પાસે વેક્સિનેશનનો મર્યાદિત સ્ટોક હોવાને કારણે આ ‘મમતા દિવસ’ના નામે એક દિવસ રસીકરણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હોવાની ચર્ચા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારી મુજબ, બુધવારે કોરોના વેક્સિનેશન બંધ રહેશે. હવે દર અઠવાડિયે એક દિવસ રસીકરણ બંધ રહેવાથી અમદાવાદમાં વેક્સિન ઉપલબ્ધ નહિ હોય.
કોરોનાની બીજી લહેર બાદ હવે ત્રીજી લહેરથી બચવા માટે રાજ્યમાં સરકારે વેક્સિનેશન મહાઅભિયાન શરૂ કર્યું છે, પરંતુ અમદાવાદ શહેરમાં લોકો દરરોજ સવારથી રસી લેવા માટે કેન્દ્ર પર જઈને લાઈનો લગાવે છે, પરંતુ એક કેન્દ્ર પર 200 જેટલા લોકોને જ વેક્સિન આપવામાં આવે તેટલો સ્ટોક આવ્યો છે. અમદાવાદ શહેરમાં 400 જેટલાં રસીકરણ કેન્દ્રો પર વેક્સિન આપવામાં આવે છે. શહેરમાં સોમવારે 33 હજાર 981 લોકોને વેક્સિન આપવામાં આવી હતી.