આજરોજ દેશમાં પહેલીવાર એકસાથે રાજ્યમાં 8 રાજ્યપાલને બદલવામાં આવ્યા છે, જેમાં ગુજરાતના મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયા હતા. આ પહેલાં આનંદીબેન પટેલ પાસે મધ્યપ્રદેશના રાજ્યપાલનો વધારાનો હવાલો હતો. બીજી તરફ, કર્ણાટકમાં પણ રાજ્યપાલ બદલાયા છે. વજુભાઈ વાળાની જગ્યાએ હવે થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ બનાવાયા છે.
નવા નિમણૂક પામેલ રાજ્યપાલની યાદી :-
1. આંધ્રપ્રદેશના ભાજપના નેતા હરિ બાબુ કંભમપતિને મિઝોરમના રાજ્યપાલ બનાવાયા.
2. મંગુભાઈ છગનભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયા.
3. ગોવાના ભાજપના નેતા રાજેન્દ્રન વિશ્વનાથ અર્લેકરને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવાયા.
4. પીએસ શ્રીધરન પિલ્લઈને ગોવાના રાજ્યપાલ બનાવાયા.
5. સત્યદેવ નારાયણ આર્યને ત્રિપુરાના રાજ્યપાલ બનાવાયા.
6. રમેશ બેસને ઝારખંડના રાજ્યપાલ બનાવાયા.
7. કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ બનાવાયા.
અત્યાર સુધીમાં મધ્યપ્રદેશમાંથી મોદી કેબિનેટમાં 4 મંત્રી હતા. નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ પટેલ, થાવર ચંદ ગહલોત અને ફગ્ગન સિંહ કુલસ્તે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 જુલાઈએ કેબિનેટનું વિસ્તરણ કરે તેવી શકયતા છે. પ્રાપ્ત માહિતી મુજબ મોદી 2.0 નું વિસ્તરણ બુધવારે સવારે 11 વાગ્યે થશે. કેબિનેટમાં હાલ 28 મંત્રી પદ ખાલી છે અને કહેવાઈ રહ્યું છે કે 17-22 સાંસદોને મંત્રી પદના શપથ લેવડાવાય તેવી શકયતા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મોદીએ 2 દિવસ સુધી ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના સંગઠન મહામંત્રી બી એલ સંતોષની સાથે કેબિનેટના વિસ્તરણ અંગે બેઠક કરી છે.