ગુજરાતમાં હાલ, કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, ત્યારે લોકોને કામ સિવાય બહાર ન નીકળવા માટે, જાહેર સ્થળો પર ભેગા થવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે ગોંડલમાં યુવાનના જનાજામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. જ્યાં સોશિયલ ડિસ્ટન્સનો છડેચોક ભંગ થયો હતો. પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક રફિકભાઈ સગા-સ્નેહી મિત્રોના દુઃખમાં સહભાગી બની આવ્યા હતા. જેમાં સંખ્યા વધતા અંતિમવિધિમાં લોકો ઉમટ્યા હતા. જો આમ જ રહ્યું તો અચૂકપણે ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર જલ્દી પેસી જશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલના ભગવતપરા ખાતે રહેતા રફિકભાઈ થારિયાણીનું ગઈકાલે ઘોઘાવદર પાસે કાર પલટી મારી જતા અકસ્માતમાં નિધન થયું હતું. મૃતક રફિક બહોળો મિત્ર વર્ગ ધરાવતા હોય તેમની અંતિમ વિધિમાં હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયા હોય જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસના ધ્યાને આવતા પોલીસે મૃતકના ભાઇ સાજીદ અલી થારીયાણી વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.