રાજુ સોલંકી ગોધરા
ભારતીય જનતા પાર્ટી ગોધરા, વિધાન સભા દ્વારા , ગઈ કાલે એક અનોખા કાર્યક્રમનું આયોજન અહીંના સરદાર નગર ખંડમાં કરવામાં આવ્યું હતું જે અન્વયે આપણા લોકલાડીલા ભૂતપૂર્વ વડા પ્રધાન , પ્રખર શબ્દ સાધક , ભારત રત્ન , આદરણીય શ્રી અટલજીને એમની પ્રથમ માસિય પુણ્ય તિથિ પર એક અનોખી શૈલીમાં કાવ્યાંજલિ આપવામાં આવી .
ગોધરા,વિધાન સભા દ્વારા આયોજિત આ કાર્યક્રમ એક અલગ જ ભાત ઉપસાવી ગયો . અહીંના આયોજકોમાં સંવેદના અને સમજદારીનું અનોખું સંમિશ્રણ જોવા મળ્યું. અહીં મંચ ઉપર માત્ર અટલજીની જ ઉપસ્થિતિ હતી . હજાર શ્રોતાઓની ગરજ સારે એવા અટલજી મંચ પર વિદ્યમાન હતા અને એમને કાવ્ય સંભળાવનાર આ વિસ્તારના પંદર જેટલા કવિઓ એમની સામે પ્રેક્ષાગારમાં શ્રોતાઓ વચ્ચે બિરાજ્યા હતા. આપણી ભાષાના નામાંકિત કવિ , વાર્તાકાર , વિવેચક અને આ કાર્યક્રમના સંચાલક પ્રા . શ્રી વિનોદ ગાંધી પણ શ્રોતાઓના એક ભાગ બનીને અદભૂત સંચાલન કરતા રહ્યા . ઉપક્રમ એવો લાજવાબ કે પહેલાં અટલજી એમની એકાદ બે રચના સંભળાવે અને પછી શ્રોતા વચ્ચે બિરાજમાન કોઈ એક કવિ મંચ પર જઈ અટલજીને પોતાની અટલજી ઉપર રચેલ કૃતિ સંભળાવે .આવો સિલસિલો પુરા બે કલાક ચાલ્યો .
ભારતીય જનતા પાર્ટીના હાલના સંસદ સભ્ય આદરણીય શ્રી પ્રભાતસિંહ ચૌહાણજી , પૂર્વ સાંસદ આદરણીય શ્રી ગોપાલસિંહ સોલંકીજી , પાર્ટીના હાલના જિલ્લા પ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલ અને બીજા અનેક સભ્યો તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાઓએ મન ભરીને આ કાર્યક્રમ માણ્યો .
કાર્યક્રમની અતિ ઉત્તેજનપૂર્ણ ક્ષણ ત્યારે આવી જ્યારે અટલજીને કેન્દ્રમાં રાખીને આ વિસ્તારના કવિઓએ રચેલ રચનાઓ જેમાં સમાવિષ્ટ કરવામાં આવી છે એવી એક કાવ્ય પુસ્તિકા “સૂર્યાસ્ત પછી પણ ઉજાસ ” ને ઉપસ્થિત મહાનુભાવો તથા કવિઓ દ્વારા લોકાર્પિત કરવામાં આવી . આ પુસ્તિકાનું સંપાદન કવિ શ્રી વિનોદ ગાંધી અને સંકલન કવિ શ્રી મોહસીન મીર દ્વારા કરવામાં આવ્યું છે
…………………………………………………………………
કાર્યક્રમમાં રજૂ થયેલ રચનાઓના કેટલાક અંશ ….
1 – માણસ માટે માણસ થઈને જીવી ગયા છો તમે અટલજી
અંધારાંમાં ફાનસ થઈને જીવી ગયા છો તમે અટલજી….. ..
( વિનોદ ગાંધી )
2- જિનકી હર ધડકનમેં આવાઝ થી ” ભારત માતા ” / જો થે દેશકે સચ્ચે જ્ઞાતા……ઐસે રાષ્ટ્ર પુરુષકો વંદન……
(ડૉ. રાજેશ વણકર )
3- ચલો જ્યોતને અખંડ કરવા , નામ આપીએ અટલ
સઘળું થાશે પારદર્શી ને ઉઘડી જાશે પટલ !
( ગાયત્રી ભટ્ટ )
4- અટલ !
ભારત ભૂ કા ભાલ થે
નર બેમિસાલ થે…
( ડૉ . .દિવાકર ગૌડ ” દિનેશ ” )
5- સુનો એક રાજ કહતે હૈ અટલજી આપ જિંદા હો ,
યે દિન ઔર રાત કહતે હૈ અટલજી આપ જિંદા હો
( મોહસીન મીર )
6- કલમથી વાર કરનારા અટલજી તો અટલજી છે
સતત પ્રહાર કરનારા અટલજી તો અટલજી છે .
( વિનુ બામણિયા )
7- જેની નસનસમાં ભારતનાં ગુણગાન હતાં , એ અટલજીને વંદન હો
માતૃભૂમિનું પ્યારું જે સંતાન હતા , એ અટલજીને વંદન હો !
( શૈલેષ ચૌહાણ ‘ વિસ્મય ‘ )
8- સાચી દિશામાં દેશને વાળી બતાવ્યો તેં અટલ
જનસંઘમાં વિશ્વાસ લોકોનો જગાવ્યો તેં અટલ
(સતીષ ચૌહાણ )
9- એક એક શબ્દ બોલે વિચારી , એવા હતા અટલ બિહારી
હિમ્મત ક્યારેય નથી હારી , એવા હતા અટલ બિહારી !
( કૌશિક પટેલ ” પ્રવાસી ” )
10 -અજવાળાનું ધ્યાન ધરીને દીવો ચાલ્યો
અંધારાંને મ્યાન કરીને દીવો ચાલ્યો !
( પ્રવીણ ખાંટ ‘પ્રસૂન રઘુવીર’ )
11-એ જ સમજે છે અટલજીની કલમ
જેની પડખે છે અટલજીની કલમ
( જિબીશા પરમાર )
12- બહોત મુશ્કિલમે હૈ આલમ , અટલજી તુમ
ચલે આઓ
સજી હૈ યાદમે મહેફિલ , અટલજી તુમ ચલે
આઓ ..
( નિમેષ કનૌજીયા )
13- હૈયે એવા ભાવ જ લાવી ,
સજળ નેત્રે આ લાગણીઓ ઉભરાવી………
…..અટલજીને કાવ્યાંજલિ અર્પીએ સૌ
આવી…..
( બળવંત પરમાર ” બિંદુ ” )
14 -અનોખા કવિ એ અનોખા એ નેતા
ખુમારી જગતને બતાવી જ દેતા
( વનરાજસિંહ સોલંકી )
15- જે ના ડગે કદી જે વિશ્વાસ , એ અટલજી
મૃત્યુ પછી ય ચાલે જે શ્વાસ , એ અટલજી
( રિષભ મહેતા )
……………………… ……….. …….. . ……………………………
રાજુ સોલંકી ગોધરા