ગોધરા શહેરના કનેલાવ રોડ ખાતે આવેલા મણીબાનગર આવરણ સોસાયટીમાં રહેતા એક શખ્સની કોરોનાકાળ દરમિયાન આર્થિક મંદીના લીધે નોકરી છૂટી ગઈ હતી, જેથી આર્થિક સંકળામણ અનુભવતા આ શખ્સને ધંધો શરૂ કરવા માટે પૈસાની જરૂર હતી. જેથી તેના પરિચિત મિત્રની મદદથી નાણાંની ધીરધાર ગિરધાર કરનાર પાસેથી પાંચ ટકા લેખે પાંચ લાખ રૂપિયા લીધા હતા.
આ અંગે સ્વપ્નિલ શાહે જણાવ્યું હતું કે, અવેજ પેટે હુન્ડાઈ વેન્યુ ગાડી તેમજ ઓરીજનલ તમામ કાગળો આરસીબુક, વીમા પોલિસી, સહિત ગીરવે પેટે તેમજ આઇસીઆઇસી બેંકના કોરા ચેક બાબતે નોટરી કરી આપેલ, પરંતુ નોટરીમાં વ્યાજના નાણાં લીધા છે તેનો ઉલ્લેખ કરવા દીધેલ નહીં. જેથી સમયાંતરે લીધેલા પાંચ લાખ નાણાં પૈકી રૂ. 3,50,000 માસિક વ્યાજ સહિત મહિને મહિને રોકડા ચૂકવી આપ્યા હતા અને બાકીના રૂ. 1,50,000 નાણા ના ચૂકાતા બંને ઈસમો મારા ઘરે આવી માથાકૂટ કરીને ગાળાગાળી કરી એક સોનાની દોઢ તોલાની ચેન જેની કિંમત 50,000 તથા એક પેન્ડલ હાથીનાં દાત આકારનું સોનાનું જે અવેજ પેટે પડાવી લીધું.
જ્યારે બાકીના રૂ. 1,50,000 નાણાં આપી દો ત્યારે દાગીના પાછા લઈ જજો તેમ કહીને જતા રહ્યા હતા. જેથી દોઢ લાખ રૂપિયા વ્યાજ સહિત મે મારા જીજાજી પાસે ઉછીના લઈને ચૂકવી દીધા હતા અને જ્યારે મારા દાગીના તથા ગાડી તથા ચેક પરત માંગતા આ બંને ઈસમોએ વધારાના બે લાખની માંગણી કરી હતી. જેને લઈ આ બંને વ્યાજખોરો સામે ગોધરા એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ગોધરા શહેરના કનેલાવ રોડ મણીબાનગર આવરણ સોસાયટીમાં રહેતા સ્વપ્નિલ જયેશકુમાર શાહ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2021માં કોરોનાકાળને લઈને આર્થિક મંદી હોવાથી મારી નોકરી છૂટી જવાથી મારે સંતરામપુર ખાતે ટ્રેક્ટરનો શો-રૂમ ચાલુ કરવા માટે મૂડીની જરૂર હતી. જેથી મારા પરિચિત કમલ શ્રીમાળી (રહે પાંજરાપોળ એસબીઆઇ બેન્કની બાજુમાં ગોધરા)ના સંપર્ક કર્યો જેને મને કહ્યું કે ગોધરાના આત્મપ્રકાશ શ્રીચંદ્ર બસવાણી (રહે.રાજેશ્વરી મોબાઈલની દુકાન ઉપર ધાનકાવાડ) વ્યાજે પૈસા આપે છે તેવી ભલામણ કરી હતી. મારે શો-રૂમ ખોલવા માટે પૈસાની જરૂર ખૂબ જ હતી, માટે મેં, કમલ શ્રીમાળીએ આત્મપ્રકાશ સાથે તેમની દુકાન ઉપર મીટીંગ કરાવી મને 5% માસીક વ્યાજે પેટે પાંચ લાખ રૂપિયા આપ્યા હતા અને નોટરી કરાવી હતી. જેમાં વ્યાજે નાણાં લીધા છે તેઓ ઉલ્લેખ કર્યો ન હતો.
નોટરીમાં અવેજ પેટે આઈસીઆઈસી બેંકના કોરા ચેક અને ગીરો પેટે મારી હુન્ડાઈ ગાડી નં.GJ.17 BN.4455 નોટરી લખી આપી હતી. માટે મેં ધીરે ધીરે 5,00,000 પૈકી 3,50,000 વ્યાજ સહિત ચૂકવી દીધા હતા. જ્યારે 1,50,000 બાકી હતા જે માટે આત્મપ્રકાશ શ્રીચંદ્ર બસવાણી તથા કમલ શ્રીમાળીએ અવાર-નવાર મારા ઘરે આવી અપશબ્દો બોલી મારી સાથે બોલચાલ અને ઝઘડો કરી વ્યાજ સહિત નાણાં તાત્કાલિક આપવા માટે બળજબરી કરતાં હતા. જેથી મેં તેમને કહ્યું હતું કે, નાણાંની વ્યવસ્થા ન હોય જ્યારે મુદ્દત માંગતા મેં મુદ્દત આપી નહિં ત્યારે તેઓએ કહ્યું કે, દાગીના હોય તો દાગીના આપી દે અને રોજેરોજ સોસાયટીમાં આવીને અપશબ્દો બોલતા હતા. જેથી શરમના મારે મેં મારા પિતાએ આપેલા દોઢ તોલાની સોનાની ચેન જેની કિંમત 50,000 અને વાઘના નખ આકારનું સોનાનું પેન્ડલ જેની કિંમત 15,000નું મારી પાસેથી લઈ ગયા હતા અને કહેતા હતા કે, જ્યારે રૂ. 1,50,000 આપીશ ત્યારે તારા દાગીના લઈ જજે. જેથી મેં ઉછીના રૂ. 1,50,000 મારા જીજાજી પાસેથી લઈને મેં આત્મપ્રકાશ શ્રીચંદ બસવાણીને વ્યાજ સહિત 1,50,000 આપી દીધા છતાં જ્યારે મેં મારા દાગીના અને ગાડી તથા કોરા ચેક માંગ્યા તો તેને નહીં આપીને વધુ બે લાખની માંગણી કરી હતી. જેથી સ્વપ્નિલ જયેશકુમાર શાહે બંને વ્યાજખોર સામે ગોધરા એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.