ગુજરાત રાજ્યમાં દારૂબંધી તો છે પણ દિનપ્રતિદિન રાજ્યમાંથી વધુને વધુ દારૂ પોલીસના હાથે ઝડપાઇ રહ્યો છે. ત્યારે આજે વધુ ગોધરા એલસીબી પોલીસે ગોધરા તાલુકાના કેવડીયા ગામમાં દાહોદ ગોધરા હાઇવે પાસેથી વિદેશી દારૂના 23.58 લાખના જથ્થા સાથે 33.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બુટલેગરો પોલીસથી બચવા માટે નવા-નવા નુસખા અપનાવી દારૂની હેરાફેરી કરતા હોય છે. અત્યાર સુધી આપણે સ્વીગી કે ઝોમેટો સહિતની હોમડિલિવરી કરતા બોક્સમાં દારૂની હેરાફેરી થતી હોવાના કિસ્સાઓ જોયા છે સાથે ઘરની દીવાલમાં ચોરખાનું બનાવી તેમાં પણ દારૂ રાખ્યો હોવાના કિસ્સાઓ પોલીસે ઝડપી પાડયા છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પણ દારૂ લઇ જવા માટે ટેન્કરનો ઉપયોગ થયા હોવાનું પણ સામે આવ્યું છે. સાથે જ કારમાં પણ અલગ અલગ ચોરખાના બનાવી જેમાં દારૂની બોટલો રાખી હેરાફેરી કરતા બુટલેગરો પણ પોલીસને હાથે ઝડપાઇ ચૂકયા છે.
ત્યારે હવે ગોધરા એલસીબી દ્વારા વધુ એક ટેન્કરને ઝડપી પાડી છે જેમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. ગોધરા એલસીબી ઝડપેલ ટેન્કરમાંથી ચોરખાનું બનાવી જેમાં દારૂની બોટલો સંતાડવામાં આવી હતી. આ બનાવ સંદર્ભે પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જે સુચના અનુસાર ગોધરા રીડર શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી. એન. સીંગને ખાનગી રાહે બાતમી મળી હતી જેથી તેઓએ ગોધરા એલસીબી શાખાના પીઆઈ જે.એન.પરમાર અને ગોધરા તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટર એન. કે ડાભી તથા એલસીબી સ્ટાફ ના માણસોને આ બાબતે જાણ કરી હતી કે એક ટેન્કર માં ચોર ખાનું બનાવી વિદેશી દારૂનો જથ્થો વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યો છે અને હાલ તે દાહોદ ગોધરા હાઈવે ઉપર પહોંચી રહ્યો છે તેવી બાતમીના આધારે ગોધરા એલસીબી અને ગોધરા તાલુકા પોલીસે ગોધરા તાલુકાના કેવડીયા ગામની સીમમાં દાહોદ ગોધરા હાઈવે રોડ ઉપર નાકાબંધી કરી હતી ત્યારે બાતમી મુજબ ટેન્કર નં. GJ 12BY 2206 પકડી તેમાંથી વિદેશી દારૂ રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમિયમ વ્હીસ્કી, મેગડોવેલ્સ નં.૧ સુપરીયોર વ્હીસ્કી, સીમ્બા એકસ્ટ્રા સ્ટ્રોંગ ટીન બીયર જેની કીમત 23.58 લાખ અને ટેન્કર સાથે 33.61 લાખના મુદ્દામાલ સાથે મનોહર ધીમારાવ બીસ્નોઇ રહે,સોનારી,સેડવા જી.બાડમેર રાજસ્થાનની અટકાયત કરી હતી જ્યારે ટેન્કર માલિક સુનીલ રહે સાંચોર-રાજસ્થાન ભવરલાલ સુજાનારામ બીસ્નોઇ રહે,સાંચોર-સરનાઉ રાજસ્થાન આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન એ આરોપીઓ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પંચમહાલ રાજુ સોલંકી