ગોધરા,
આપણી હિન્દુ સંસ્કૃતિમાં ગુરૂનો મહિમા ખૂબ મોટો છે. સાંદિપની વશિષ્ઠ, ચાણક્ય જેવા શિક્ષકોએ સમાજને સબળ બનાવ્યો હતો. શિક્ષકના હાથમાં સમાજની ધુરા રહેલી છે. વ્યક્તિના જીવન ઘડતરમાં શિક્ષકનો ફાળો અમૂલ્ય છે. તેમ કૃષિ (રાજ્ય કક્ષા) અને પંચાયત, પર્યાવરણ (સ્વતંત્ર હવાલો) રાજ્ય મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે આજે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના શિક્ષક દિન ઉજવણી સમારોહમાં જણાવ્યું હતું.
તેમણે શિક્ષણની ગુણવત્તા અને સ્તરને ઉંચે લાવવા રાજ્ય સરકારે કરેલા શ્રેણીબધ્ધ આયોજનો સાથેની સંકલ્પબધ્ધતા વિશે જણાવતા કહ્યું હતું કે, શિક્ષણ એ વિકાસના પાયાની બાબત છે. રાજ્ય સરકાર દર વર્ષે આશરે રૂા. ૨૫ હજાર કરોડ શિક્ષણ માટે ફાળવે છે. મેડીકલ, ઇજનેરી, પેરા મેડીકલ જેવા ઉચ્ચ અભ્યાસક્રમોમાં સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટીટ્યુટની ફીમાં જરૂરતમંદ યુવાનોની ૫૦ ટકા ફી રાજ્ય સરકાર મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ આપે છે.
મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે, જિલ્લાના રાષ્ટ્રિય, રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનું પારિતોષિક મેળવનાર શિક્ષકોને અભિનન્દન પાઠવ્યાં હતાં.
સાંસદ શ્રી પ્રભાત સિંહ ચૌહાણે, સમાજ અને દેશના ઘડવૈયા તરીકે શિક્ષકની પરિભાષા વર્ણવી હતી જ્યારે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજપાલસિંહ જાદવે શિક્ષકમાં રહેલા શિક્ષા, ક્ષમા અને કરૂણાના ગુણોનું વર્ણન કર્યું હતું.
જિલ્લા કલેકટર શ્રી ઉદિત અગ્રવાલે કહ્યું હતું કે, તેમના આજના સ્થાનમાં તેમના માતા-પિતા સાથે શિક્ષકોનો ફાળો રહેલો છે. વિદ્યાર્થી કાળના-શાળાના સંસ્મરણો તાજા કરતાં તેમણે જણાવ્યું હતું કે, એક દિવસ માટે શિક્ષક બનવાનું આવતું ત્યારે શિક્ષકની શું જવાબદારી છે તેનો ખ્યાલ આવતો. આજે જિલ્લા વહીવટી તંત્રના વડા તરીકે શિક્ષક પણ છીએ, શિષ્ય પણ છીએ તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કક્ષાના ૦૪ અને તાલુકા કક્ષાના ૦૬ શિક્ષકોને પારિતોષિકનું વિતરણ કરવા સાથે શાલ ઓઢાડી સન્માનવામાં આવ્યાં હતાં.
કોટડા પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક ચૌહાણ જુવાનસિંહ ગુલાબસિંહને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પોતાને મળેલા ઇનામની રૂા. ૧૫૦૦૦/-ની રકમના ટેબલેટ વિદ્યાર્થીઓને આપવાની અને ઓડીદ્રા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક પટેલ કમલેશભાઇ રણછોડભાઇએ પોતાને મળેલા ઇનામની રૂા. ૫૦૦૦/-ની રકમના ગણવેશ વિદ્યાર્થીઓને આપવાની જાહેરાત આ સમારોહમાં કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહે પારિતોષિક મેળવનાર શિક્ષકોને અભિનંદન આપવા સાથે ઉપસ્થિત જિલ્લાના શિક્ષકોને શુભેચ્છા આપતા સૌનો આભાર માન્યો હતો. ઉપરાંત ઓરિ-રૂબેલા સીકરણમાં રહી જતા બાળકોનું રસીકરણ કરવા અને જિલ્લાને આ અભિયાનમાં અગ્ર સ્થાન અપાવવા અપીલ કરી હતી