ગોધરાના શહેરા ભાગોળ ફાટક પાસે આવેલ તીરઘરવાસ ખાતે રવિવારની રાત્રે ત્રાટકેલા તસ્કરો એક મકાનના તાળા તોડી સોના-ચાંદીના ઘરેણા તથા રોકડ મળી રૂપિયા અડધા લાખની મત્તાની તસ્કરી કરી ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના અંગે પોલીસે અજાણ્યા તસ્કરો સામે ચોરીની ફરિયાદ નોંધી ડોગ સ્કવોડ તથા એફએસએલની મદદ વડે તપાસ હાથ ધરી છેે. ગોધરા શહેરમાં છેલ્લા એક સપ્તાહ કરતાં વધુ સમયથી તસ્કરો ભારે આતંક મચાવી રહ્યા છે. અગાઉ પણ ગોધરા શહેરમાં મકાનના તાળા તોડયા હતા. પોલીસે ચોરીની આ ઘટનાઓ બાબતની હજુ તપાસ હાથ ધરી છે. ત્યાંજ ફરીવાર રવિવારની રાત્રે તસ્કરોએ ગોધરાના શહેરા ભાગોળ ફાટક પાસે આવેલ તીરઘરવાસ ખાતે હાહાકાર મચાવ્યો છે અને એક મકાનના તાળા તોડી અડધા લાખની મત્તાની તસ્કરી કરી છે.
રવિવારની મધ્યરાત્રિએ ગોધરાના શહેરા ભાગોળ ફાટક પાસે આવેલ તીરઘરવાસ ખાતે રહેતા ધર્મેશ ભાઈ ફુલસિંહ ભોઈ પોતાના પરિવારના સભ્યો અને મિત્રો સાથે ગોધરા શહેરથી મધ્યપ્રદેશમાં આવેલ જાબુઆ ખાતે તિજાજી મહારાજના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા અને દર્શન કરી પરત ફરી ઘરે આવ્યા હતા ત્યારે તેમના બંધ મકાનના તાળા તોડી તસ્કરો અંદર પ્રવેશેલા અને તિજોરી ખોલી સોનાના તથા ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ 54567 રૂપિયાની ચોરી કરી ગયા હતા.
દરમિયાન રવિવારે મકાનમાંથી અડધા લાખની મત્તા ચોરાયાની વાત ફેલાતાં આજુબાજુ વિસ્તારમાં ભય સાથે ચકચાર મચી ગઈ હતી. લોકોના ટોળેટોળા ઘટના સ્થળ પર ઉમટી પડયા હતા. દરમિયાન પોલીસને જાણ કરાતાં બી ડીવીઝન પોલીસની ટીમ પણ દોડતી થઈ ગઈ હતી. પોલીસે ઘટના અંગે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી ડોગ સ્કવોડ તથા એફએસએલની મદદ વડે તસ્કરો સુધી પહોંચવા કવાયત આરંભી છે. વધુમાં ફરિયાદી ધર્મેશ ભોઇએ જણાવ્યું હતું કે તેમના ઘરમાંથી ૧.૫૦ લાખ રોકડ ઉપરાંત ૪ કિલો ચાંદી તથા સોનાની ચોરી થઇ છે પરંતુ પોલીસ તંત્ર દ્વારા ફરિયાદમાં ફક્ત ૫૪૫૬૭ રૂપિયાની ચોરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પંચમહાલ રાજુ સોલંકી