પંચમહાલ : જળ સંચય અભિયાન હેઠળ જળ સંગ્રહના ૧૩૮૨ કામો પૈકી ૭૫૪ કામો પૂર્ણ : ૬૪૮ કામો પ્રગતિમાં
વિજયકુમાર ,ગોધરા
રાજયના મુખ્યમંત્રીશ્રી પ્રેરીત સુજલામ સુફલામ જળસંચય અભિયાન પ્રથમવાર હાથ ધરવામાં આવ્યું છે.આ અભિયાન હેઠળ થયેલા કામોથી આ જળ ભંડારોને નવું જીવન મળવાની સાથે પાણીને સાચવી રાખવાની તેમની ક્ષમતામાં ચોકકસ અભિવૃદ્વિ થઇ છે. જેના સારા પરિણામ રૂપે પંચમહાલ જિલ્લાની ધરતી વધુ સુફલામ અને સંતુપ્ત બનશે. પંચમહાલ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ સાત તાલુકામાં અલગ-અલગ વિભાગો દ્વારા વિવિધ પ્રકારના ૧૩૮૨ કામોનું આયોજન કરવામાં આવેલ જે પૈકીના ૭૫૪ કામો પૂર્ણ કરી દેવામાં આવ્યા છે જ્યારે ૬૪૮ કામો પ્રગતિમાં છે. આમ પંચમહાલ જિલ્લામાં પૂર્ણ અને પ્રગતિ હેઠળના કામોની પ્રગતિ સો ટકા થવા જાય છે.
જિલ્લામાં જળ સંપત્તિ વિભાગ દ્વારા તળાવો ઉંડા કરવા, ચેકડેમનું ડીસિલ્ટીંગ કરવાના ૩૧૫ કામોનું આયોજન કરવામાં આવ્યુ છે જેનાથી આશરે જિલ્લામાં ૭ લાખ ઘન મીટર પાણીનો સંગ્રહ થશે છે. જેમાં હાલની સ્થિતિએ ૨૩૨ કામો પૂર્ણ કરી દેવામાં આવ્યા છે જ્યારે ૭૯ કામો પ્રગતિ હેઠળ છે. પંચમહાલ જિલ્લામાં જળ સંચય અભિયાન અંતર્ગત કુલ ૨૩૮ જેસીબી, ૩૭૯ ટ્રેકટર, ૩૬ ડમ્પર યાંત્રિક મશીનરી કાર્યરત છે તેમજ ૧૧૮૮૪ માનવદિન રોજગારી પૂરી પાડવામાં આવી છે. ખોદેલી માટી અને કાંપનો તળાવોના પાળાના સમારકામ માટે સદઉપયોગ સાથે ખેતરમાં કાંપ પથરાતા જમીનની ફળદ્રુપતા વધશે.
જળ સંગ્રહ ક્ષમતામાં વધારા ઉપરાંત આ અભિયાનની સફળતાની આગવી ખાસીયત તેની સાથે જોડાયેલી મજબૂત લોક ભાગીદારી છે. અભિયાન હેઠળના પંચમહાલ જિલ્લાના કામોમાં ઔદ્યોગિક એકમો, જીઆઇડીસીનાં ઔધોગિક મંડળો, ધાર્મિક સંસ્થાઓ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ, દુધ સહકારી મંડળીઓ ઇત્યાદિનો સહયોગ માગ્યો છે. પંચમહાલ જિલ્લામાં જળ સંચય અને જળ સંગ્રહના કામો માટે પંચામૃત ડેરી દ્વારા રૂ. ૨૧ લાખનો સહયોગ સાંપડ્યો છે.
જળસંચય અભિયાનએ ભાવિ પેઢીને સ્વચ્છ અને આરોગ્યપ્રદ પાણી,પુષ્કળ પાણીનો વારસો આપવાનું બહુ આયામી અભિયાન છે. જેના પગલે જળસંગ્રહ ક્ષમતા વધશે અને ધરા વધુ સુજલામ-સુફલામ બનશે. આ અભિયાનમાં રાજયમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારના માર્ગદર્શન તેમજ જિલ્લાના પ્રભારી સચિવશ્રી મનોજ અગ્રવાલની દોરવણી હેઠળ કલેકટરશ્રી ઉદિત અગ્રવાલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહે જળ સંચય અભિયાનને સાર્થક બનાવવા જહેમતભર્યો જે કર્મયોગ આદર્યો છે તેનાથી જિલ્લાની જળ સમૃધ્ધિ વધશે.