ઉત્તરાયણ પર્વને આડે માત્ર બે દિવસ બાકી રહ્યા છે. પંચમહાલ જીલ્લામાં ગોધરા શહેર સહિત તાલૂકાઓમાં ઠેરઠેર પતંગોના સ્ટોલો ખુલી ગયા છે. પતંગ બજારમાં મંદીનો માહોલ જોવા મળતા વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે
પંચમહાલ જીલ્લામાં ઉત્તરાયણ પર્વને લઈને થનગનાટ જોવા મળી રહ્યો છે. બજારમાં અવનવી પંતગોનુ વેચાણ થઈ રહ્યુ છે. જેમા જો બકા કોરોનાથી ડરવું નહીં, સોશિયલ ડિસ્ટન્સ રાખવું માસ્ક પહેરવું, દુનિયા કા સબસે બડા મુક્ત ટીકાકરણ અભિયાન વગેરે જેવી અવનવી ડિઝાઇનવાળી પતંગો માર્કેટમાં જોવા મળી હતી. આ ઉપરાંત સો રૂપિયાથી માંડીને પાચસો રૂપિયા સુધીના તૈયાર ફીરકા મળી રહ્યા છે. હાલ પતંગ રસિયાઓ મોટા ભાગે દોરો સૂતાવાનુ વધુ પસંદ કરી રહ્યા છે. પતંગના વેપારીઓ દોરો સૂતાવા માટે પણ સ્ટોલો ખોલી દીધા છે. સાથે પતંગ, દોરા, ફીરકી સહિતનુ વેચાણ થઈ રહ્યુ છે પણ ઉત્તરાયણના પર્વને મંદીનુ ગ્રહણ લાગ્યુ છે. બજારમાં ઘરાકી ઓછી જોવા મળતા વર્ષોથી પતંગ-દોરાનો વેપાર કરતા વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે. વેપારીઓનુ કહેવુ છે આ વખતે પતંગ-દોરામાં પણ વીસ ટકાનો ભાવ વધારો થયો છે. વધુમાં આ વર્ષે બજારમાં ગત વર્ષે કરતા ઘરાકી ઓછી જોવા મળતા મંદીનો માહોલ છે. ઉત્તરાયણના ચાર-પાંચ દિવસ પહેલા જેટલી ઘરાકી ગત વર્ષ જોવા મળી હતી.તેટલી ઘરાકી આ વર્ષ જોવા મળી નથી. વેપારીઓ ઉત્તરાયણ પહેલા સારી ઘરાકી થાય તેવી આશા રાખી રહ્યા છે.
પંચમહાલ રાજુ સોલંકી