પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતેથી આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ રાજ્યમંત્રીશ્રી નિમિષાબેન સુથારનાં અધ્યક્ષસ્થાને સુશાસન દિનની ઉજવણી તેમજ સુશાસન સપ્તાહ ઉજવણીનો શુભારંભ સમારોહ યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા આરોગ્ય રાજયમંત્રી નિમિષાબેન સુથારે જણાવ્યું હતું કે ‘જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન’નું સૂત્ર આપનાર ભારતનાં 10 માં વડાપ્રધાન અને કવિ સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી થઈ રહી છે. સુશાસન અંગે બોલતા મંત્રીએ જણાવ્યું હતું કે સરકારની સેવાઓ સમાજનાં દરેક માનવી માટે ઝડપી, ન્યાયી અને એકસમાન રીતે ઉપલ્બધ કરાવવી, વિકાસના ફળો દરેકને સમાનપણે અને ન્યાયી રીતે વિતરીત થાય તે સુશાસન. તેમણે ઉમેર્યું હતું કે શાસન સંપૂર્ણપણે પ્રજાલક્ષી, પ્રજાભિમુખ, પ્રજાકેન્દ્રી હોવું જોઈએ અને આ પ્રકારનું શાસન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર આપી રહી છે.
જિલ્લામાં શિક્ષણ, રોજગાર, આયોજન સહિતનાં વિવિધ વિભાગો દ્વારા ચાલતી શ્રેષ્ઠ પ્રેક્ટિસીસ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે છેવાડાનાં માનવી સહિત સમાજના દરેક વર્ગનાં માનવીને સુશાસનનો અનુભવ થાય તે માટે સરકાર ઉપરાંત પદાધિકારીઓ અને નાગરિકો પણ સક્રિય રીતે આ પ્રક્રિયામાં ભાગીદાર થાય તે આવશ્યક છે. ગુડ ગર્વનન્સમાં સરકારે હાથ ધરેલી વિવિધ પહેલો અને યોજનાઓ વિશે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે સરકારે સર્વસમાવેશક વિકાસના વચનોને પૂરા કરતા 1 લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના અને સમાજના દરેક વર્ગના જરૂરતમંદોને રૂ.5 લાખ સુધીનાં સ્વાસ્થ્ય વીમાની સુવિધા આપતી પીએમજેએવાય-મા કાર્ડ યોજના સહિતની યોજનાઓ અમલી બનાવી છે, જે અંતર્ગત 2000 થી પણ વધુ પ્રકારની સારવાર લાભાર્થીઓને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મંત્રીએ લાયક ઠરતા સૌ કોઈને આયુષ્માન ભારત યોજનાનો લાભ લેવા તેમજ પોતાનાં આસપાસના જરૂરતમંદોને આ યોજનાના લાભાર્થી લેવા માટે મદદ કરવા અનુરોધ કર્યો હતો. ઓમીક્રોન વાયરસ વિશે વાત કરતા તેમણે કોરોના વિષયક સાવચેતીઓ જેવી કે માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્ત પાલન કરવાની અપીલ પણ કરી હતી.
કાર્યક્રમમાં ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીએ જણાવ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીજીએ નીતિ, વહીવટ અને સુશાસનનું શ્રેષ્ઠ ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું અને તેમના જનમદિવસે સુશાસન દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે પ્રજા અને પદાધિકારીઓને પણ સમાજનાં ઉત્કર્ષ માટે સરકારના હાથ મજબૂત કરવાની દિશામાં કામગીરી કરવા તેમણે અપીલ કરી હતી.
આ અગાઉ કાર્યક્રમની શરૂઆતમાં નિવાસી અધિક કલેક્ટર એમ.ડી. ચુડાસમા દ્વારા શાબ્દિક સ્વાગત અને આભારવિધિ ગોધરા સીટી મામલતદાર આર. ભાભોર દ્વારા કરવામાં આવી હતી. તે ઉપરાંત, બાગાયત વિભાગની વિનામૂલ્યે છત્રી કવર તેમજ મીની ટ્રેક્ટર ખરીદવા માટે રૂ. ૪૫,૦૦૦/-ની આર્થિક સહાયના મંજૂરી હુકમોનું લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકી, હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, કાલોલના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ તેમજ પંચાયત-નગરપાલિકાના પદાધિકારીઓ, ઈન્ચાર્જ કલેક્ટર અર્જુનસિંહ બી. રાઠોડ, ડીઆરડીએ નિયામક તબિયાર સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી