ગોધરા તાલુકાના કલ્યાણા ગામ પંચાયતના સરપંચ દ્વારા વિકાસના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું બહાર આવતા જીલ્લા વિકાસ અધિકારીએ સરપંચ વિક્રમસિંહ ચૌહાણને સરપંચ પદેથી સસ્પેન્ડ કરી સરપંચનો ચાર્જ ડેપ્યુટી સરપંચને સુપ્રત કરવા અંગેનો હુકમ કરવામાં આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. સરપંચએ મળેલ સત્તાની ઉપરવટ જઈ કાર્યો અને ફરજો બજાવવામાં ગેરવર્તણુંક પણ દાખવેલ હોવાનું તપાસ દરમ્યાન બહાર આવ્યું છે.
ગોધરા તાલુકાના કલ્યાણા ગામના સરપંચ વિક્રમસિંહ સાંમતસિંહ ચૌહાણ દ્વારા પંચાયતના વિકાસના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની રજૂઆતના આધારે ગોધરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા કલ્યાણા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. ગોધરા તાલુકા વિકાસ અધિકારીએ વિગતવારનો અહેવાલ તૈયાર કરી જીલ્લા વિકાસ અધિકારીને મોકલી આપવામાં આવ્યો હતો જેમાં સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટ જેવી કે નાણાપંચ એ.ટી.વી.ટી,આયોજન એમ.પી.ગ્રાન્ટ, એમ.એલ.એ.ગ્રાન્ટ અને મનરેગા યોજના અંતર્ગત કરોડો રૂપિયાની માતબર રકમ સરકાર દ્વારા પંચાયતમાં મંજૂર કરવામાં આવી હતી જે વિકાસના કામોમાં ગામના સરપંચ દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનું તપાસ દરમ્યાન પુરવાર થતા પંચમહાલ જીલ્લા વિકાસ અધિકારીએ સરપંચ વિક્રમસિંહ સાંમતસિંહ ચૌહાણને સરપંચ તરીકેના હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને સરપંચ તરીકેનો ચાર્જ ડેપ્યુટી સરપંચને સુપ્રત કરવા અંગેનો હુકમ કરતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. ભ્રષ્ટાચાર કરવામાં પંચાયતના સ્થાનિક સભ્યો સહીત તલાટીની પણ સંડોવણી હોવાની નોંધ ગોધરા તાલુકા અધિકારીએ અહેવાલમાં કરી છે જેઓ સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. મોટાપાયે પંચાયતી રાજમાં વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું સામે આવ્યું છે
પંચમહાલ ગોધરા રાજુ સોલંકી